કિલેશ્વરનો પ્રવાસ
હું શાળામાં હતી, ત્યારની વાત છે. અમારી શાળામાંથી પ્રવાસનું આયોજન થયું હતું. પ્રવાસ સવારથી સાંજ સુધી. ઉત્સાહ અત્યારે પણ મોં પર દેખાય. કેમ કે બાળપણની વાત બસ યાદ આવે કે તરત ચહેરા પર બે કિલોનું હાસ્ય અને પગ જમીનથી ઊંચા. આમ જુઓને તો આગળ પાછળના બે- બે દિવસ મનથી તો પ્રવાસના સ્થળે જ હોય, તનથી ઘરે. .અમારો પ્રવાસ કિલેશ્વર ઘૂમલી થયો હતો. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના ભાણવડની બાજુમાં આવેલું કિલેશ્વર હરિયાળીથી ઘેરાયેલું ને મનોરમ્ય સ્થળ. સવારથી જ હું બહુ ઉત્સાહમાં હતી. નાહી -તૈયાર થઈ. રસોઈમાં પુલાવ બનાવ્યો. ગમે ત્યાં સવારમાં વહેલું જવું હોય એટલે મારું પહેલેથી જ નક્કી. આજે પણ સવારમાં ત્રણ-ચાર વાગ્યે ઉઠીને પુલાવ બનાવીને જ જાઉં .ખબર છે ને એક તો આપણે સવાર સવારમાં કેટલાં કામ હોય? કંઈ ન કરીએ તો દીવાબત્તી ને બધાનો નાસ્તો , બાળકોના ટિફિન...ત્યારે માંડ છ વાગ્યાની બસ પકડાય. હા, ત્યારે પણ બસ જ પકડવાની હતી. જુઓને થયું એવું કે હું તૈયાર , મારી બેગ તૈયાર, પાણી પેલો પુલાવ બધું જ. પણ ઘડિયાળ જ સમય ખોટો બતાવે. એમ, તો શાળાએ સાત વાગ્યે નીકળું પણ આ પ્રવાસ એટલે છ વાગ્યે પહોંચવાનું હતું. મારા પપ્પા રોજની ટેવ પ્રમાણે ઉઠયા. ને ઘડિયાળ તો ત્યાં જ થાક ખાય. મેં કહ્યુ એટલે તરત જ મને કહે અજવાળું જો, પોણા છ ન હોય. અમારે પ્રવાસ હંમેશા ડિસેમ્બર કે જાન્યુઆરીમાં જ થતો. મારા પપ્પા ફટાફટ મને શાળાએ મુકી ગયા. આખી બસની બધી છોકરીઓ મારી પર તુટી પડી. મારા કારણે બે બસ મોડી પડી. બધાનું સાંભળ્યા પછી મેં કહ્યુ , હવે તો બસ ચલાવો. ત્યાં તો મારી એક સખીએ મને ડોળા કાઢીને કહ્યુ કે હું તને તેડવા ઘરે ગઈ ને તું બસને જવાનું કહે, તારાથી કહેવાય જ કેમ? હા, એક છોકરી સર જોડે મારી ઘરે મને તેડવા ગઈ'તી. એણે ખુબ મહેનત કરી, મને લીધા વગર પ્રવાસમાં ન ગયા. નિર્ધારિત સમયથી એક કલાક કરતાં વધારે મોડું થયું હતું. હું સાહિત્ય મંત્રી તરીકે ઓળખાતી પણ તે દિવસે અલગ જ ખ્યાતિ મળી. પછી તો અડધે રસ્તે પહોંચ્યા ત્યાં સુધી અમે બધા હસ્યા. એક ઘડિયાળે આખી જીંદગીનું મધ મીઠું સંભારણું આપી દીધું. ----- મારા અગિયારમાં ધોરણના અનુભવમાંથી. (સત્ય ઘટના.)
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)