સવાલ

05 ડીસેમ્બર 2024By Vandana Patel
સવાલ ગંગા નદીના તટ પર આશરે ત્રેવીસ વર્ષની એક યુવતી ઉદાસ ચહેરે બેઠી હતી. આ છોકરી માટે આ કિનારો અને અહીંના લોકો અજાણ્યા હતાં. તેણી આમતેમ નજર ફેરવતી હતી. એક સાધ્વીજી કયારનાયે તેણીનો અલિપ્તભાવ અને સપાટ ચહેરો વાંચવાની કોશિશ કરતાં હતાં. સપાટ એટલે કે કોઈ જાતનાં વિચાર મન મસ્તિકમાં ન હોય. સાધ્વીજી આ છોકરીને અહીં એકલી મૂકવી હિતાવહ ન લાગતાં પોતાની સાથે આશ્રમમાં લઈ ગયાં.સાધ્વીજીએ રસ્તામાં એ છોકરીને પોતાનું નામ ગામ વગેરે વિશે પુછ્યું, પણ એ છોકરી વિસ્મયથી જોઈ રહી. આ વિસ્મયભરી આંખો પરથી સાધ્વીજી ઘણુંબધું સમજી ગયાં. પોતાનું નામ પણ ન ખબર હોય કે યાદ ન હોય, એ વિસ્મય તો જેણે જોયું હોય એ જ અનુભવી શકે. આ સાધ્વીજી આવા અલગ-અલગ અનેક વિસ્મયો પચાવી ચુક્યાં હતાં. સાધ્વીજીએ આશ્રમમાં આવ્યા બાદ આ છોકરીને ખૂબ પ્રેમથી જમાડી. સાધ્વીજીએ પોતાના નામથી પણ અજાણ, એવી અજાણી છોકરીનું નામ આપ્યું "ક્ષમા." સાધ્વીજી અનુભવના આધારે જાણતાં હતાં કે આ છોકરીને જયારે પણ ભૂતકાળ યાદ આવશે, ત્યારે આ છોકરીએ પોતાને આ સ્થિતિમાં મૂકવા માટે અને પોતાની સાથે અક્ષમ્ય અપરાધ આચરનાર વ્યક્તિને ક્ષમા જ આપવાની છે       સાધ્વીજીની મહેનત રંગ લાવી. અનેક ઔષધિ અને જડીબુટ્ટીની મદદથી ક્ષમા સ્વસ્થ થઈ ગઈ. એક દિવસ ક્ષમાને મા ગંગાના તટ પર બેઠાં- બેઠાં પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. સંજોગોવસાત સાધ્વીજી ત્યાં જ હતાં. ક્ષમા સાધ્વીજીને ન ઓળખી. સાધ્વીજીને *વિસ્મય* થયું! સાધ્વીજી ક્ષમાને આશ્રમમાં લઈ ગયાં. બંનેએ વાતચીત કરી. સાધ્વીજીનાં જીવનમાં આ પહેલો દાખલો હતો કે ભૂતકાળ યાદ આવતાં તેણી વર્તમાન ભૂલી ગઈ, એટલે કે અહીં એક વરસ રહી એની યાદ સમૂળગી જ નાશ પામી. આવું કઈ રીતે બને!સાધ્વીજીએ કહ્યું " બેટા, એક વરસથી તું અહીં છો, યાદ કર, મેં તારું નામ ક્ષમા પાડ્યું છે."ક્ષમાએ કહ્યું " હા, યોગાનુયોગ મારું નામ ક્ષમા જ છે."સાધ્વીજીએ કહ્યું "હું તને અહીં લાવી ત્યારે તને કંઈ જ યાદ ન હતું."ક્ષમાએ કહ્યું "હવે મને યાદ છે, હું દિલ્હીની રહેવાસી છું. હું અહીંથી મારા મમ્મી પપ્પા પાસે જવા માંગુ છું."સાધ્વીજીએ ઉદાસ થતાં કહ્યું " ઠીક છે, હું વ્યવસ્થા કરાવું છું."  સાધ્વીજીએ ઝીપમાં ક્ષમાને બેસાડી, એના ખોળામાં પાંચ માસની બાળકી મૂકી તો ક્ષમાની આંખોમાં એ જ વિસ્મય હતું, જે નામ ગામ ભૂલી ગઈ હતી, ત્યારે હતું. ક્ષમાએ બાળકીનો સ્વીકાર કરવાની ના પાડી. સાધ્વીજીએ કહ્યું "તું જયારે અહીં આવી ત્યારે બે માસનો ગર્ભ તારા પેટમાં હતો."ક્ષમા બાળકીને ધારી ધારીને જોવા લાગી. આ બાળકીના શરીર પરનું કાળું લાખું જોતાં જ એનો જન્મદાતા યાદ આવી ગયો. બંનેને એક જ જગ્યાએ લાખું! વિસ્મય!ક્ષમા બાળકીને તેડીને આશ્રમમાં પાછી ફરી. સાધ્વીજીને મુખ્ય ઓરડામાં દોરી ગઈ. એક સુખડના હાર ચડાવેલાં ફોટા સામે આંગળી ચિંધતા કંઈક કહેવા જાય છે, ત્યાં તો સાધ્વીજી ફસડાઈ પડે છે. નીચે બેસી ગયેલાં સાધ્વીજીના મુખેથી શબ્દો સર્યા "તમે હજી જીવો છો!" ક્ષમા બરાડી ઊઠી "એ કયા દિવસે મરી ગયા હતા?"                બંને વિસ્મયથી એકબીજા સામે જોઈ રહે છે. સાધ્વીજી સાધના કરતાં કરતાં એ કક્ષાએ પહોંચી ગયા હતા કે સૌને માફ કરી શકે, પણ ક્ષમા? ક્ષમા બાળકીને તેડીને એક નિશ્ચય સાથે આશ્રમ છોડી દે છે. સાધ્વીજીના મનમાં સવાલ જાગે છે, શું હશે ક્ષમાનું આગળનું પગલું?સમાપ્ત. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!