ગંગાબા
[ ટુંકી વાર્તામાં આ મારો બીજો પ્રયાસ છે .હાઈવે નામની લઘુવાર્તા હોરર , રહસ્ય - -રોમાંચ થી ભરપુર મારો પ્રથમ પ્રયાસ હતો.]ગંગાબા સૌરાષ્ટ્ર માં જેતપુર તાલુકાનું નાનકડું ગામ. આ ગામમાં એક શિક્ષક .નામ એનું રાજેશ. પોતાના પરિવાર સાથે રહેતો હતો.પરિવારમાં તેની પત્ની રેવતી બા -બાપુજી અને નાનકડો ચાર વર્ષ નો દિકરો હેત ..આટલા સભ્યો ટુંકા પગારમાં ખાઈ પીને રહેતા હતા. આરમથી રહી શકાય પણ જલસા ન થાય. રાજેશ ટિફિન લઈ સવારમાં સાઈકલ પર નોકરી કરવા જતો. પત્ની ઘણીવાર ચડભડ કરતી કે આ તે કંઈ જીંદગી છે ફરવા કે જમવા કયાંય લઈ જતા નથી.પતિ પ્રેમથી સમજાવતો કે પગાર વધારો થવા દે. પછી જશું. હજી હેત પણ નાનો છે. એના શિક્ષણ માટે પણ બચાવવા પડશે ને.... ધીરજથી કામ લે. માતા પિતા સાંભળતા .પણ શું થાય ? એમની ઉમર થઈ ગઈ હતી. એટલે કામ તો થાય નહી. રોજ સવાર સાંજ હેતને મંદિરે લઈ જતા કે વહુનો જીવ મોકળો રહે. ત્યારના સમયે સસરાનું માથે ઓઢતા...રેવતીની કચકચ વધતી ચાલી પત્નીનો સ્વભાવ જાણી રાજેશ પ્રેમ થી સમજાવતો. અસંતોષથી જીવીશ તો હેત પણ ખુશ નહી રહી શકે...આમ, એક ધકકાગાડી જેવું જીવન ચાલતુ હતું. બાજુમાં નેવું વરસના ગંગાબા રહેતા હતા. એકલા જ હતા એટલે રેવતી ઘણીવાર ખાવાનું આપી આવતી. એક રાતે મોબાઈલ (નોકિયા બારસો રુપિયાવાળો)માં રીંગ વાગી. પત્ની રોજની જેમ ચીડમાં હતી . ઉપાડીને રોંગ નંબર કહી મૂકી દીધો. બીજે દિવસે રેવતીના બા નો ફોન આવ્યો હેતને લઈ ને આવ. કે'દીનો રમાડયો નથી. હમણા નવરાશ હોય તો આવી જા. રેવતી એ ચિડાઈ ને કહી દીધુ અહી મા બાપાનું કોણ કરે? બા એ કહ્યુ કે આમ આકરી ન થા. કાલે સવારમાં કામ કરી રસોઈ કરીને આવજે. સાંજે ચાલી જજે. રેવતી ઠીક છે , કહીને ફોન મુક્યો. રાત્રે પતિને વાત કરી. રાજેશે હા પાડી. જઈ આવ તને સારુ લાગશે. હું સાંજે આવીશ તેડવા. હેત પણ ખુશ હતો કે મામાને ઘરે મજા પડશે. નાનીમાં જલેબી ખવડાવશે... બીજે દિવસ રેવતી બધુ કામ પતાવી , રસોઈ કરી તૈયાર થઈ ગઈ. હેતને પણ તૈયાર કર્યો. હેતને લઈ ને સાસુ પાસે ગઈ. બા, હું પિયર જાઉ છું. હેતને લઈ જાઉ છું. રસોઈ કરી લીધી છે . જમી લેજો. બા એ ખૂબ ખુશ થઈ ને કહ્યુ ત્યાં બધાને અમારા જેશ્રીકૃષ્ણ કેજો... હા બા કહી રેવતી નીકળી. જ્યાં બહાર ગઈ કે ફોન આવ્યો . આની પેલા રોંગ નંબર કહીને મૂકી દીધો તો એ જ નંબર હતો...મોડુ તો નો'તુ થા'તુ પણ ઉતાવળ હતી પિયર પહોંચવાની.. એટલે રોંગ નંબર કહેવા જતી હતી ત્યાં છેલ્લી વખતની જેમ ટ્રક, પૈસા , સામાન પહોંચાડવો વગેરે તુટક તુટક જ સંભળાયું. છેલ્લી વખત દારૃનો નશો વરતાતો 'તો .અત્યારે દિવસ હોવાથી અવાજ સ્થિર લાગ્યો. ફોન કાપીને ઘણીવાર કંઈક વિચારતી રહી .... હેત રેવતીનો હાથ હલાવીને પુછતો રહ્યો ક્યારે પહોંચશું.? મામાના ઘરે પહોંચી ગયા. સવારથી સાંજ પડવા આવી .હેતને ખુબ મજા આવી. રાજેશ તેડવા આવ્યો. બધા ઘરે આવ્યા. પાછા આવતા રસ્તામાંથી બટેટાવડા ને જલેબી રાજેશે પણ લઈ લીધા કે રેવતીને રસોઈ ન કરવી પડે. સવારની દોડભાગમાં જ હતી. બા બાપુજી ને જમાડયા. રેવતી બા બાપુજી ને કંઈ ખરાબ સંભળાવતી કે કહેતી નહી તો પણ ઘણાં સમય પછી રેવતીને ખુશ જોઈ રાજી થયા. સવારે રોજની જેમ રાજેશ ટિફિન લઈ નીકળી ગયો ને બા બાપુજી હેતને લઈ ને મંદિરે ગયા.. રેવતી તો આ જ સમયની રાહ જોતી હતી .ઉતાવળે ઉતાવળે પેલા રોંગ નંબર પર ફોન કર્યો. સામેથી ભાઈએ કહ્યુ કે ભૂલથી લાગી ગ્યો'તો. રેવતી કહ્યુ કે ભૂલ એકવાર થાય બે વાર નહી. પેલા ભાઈ માફી માગવા જતા હતા ત્યાં જ રેવતી કહ્યુ કે તમે ટ્રક ચલાવો છો .? ને પચાસ સાઈઠ હજારના સોદા કરો છો.? પેલા ભાઈએ હા પાડી. ને રેવતીએ કાલે ફોન કરુ એવું કહીને ફોન મુકી દીધો. હવે તો બંને રોજ વાત કરવા લાગ્યા. બંનેએ લગ્ન નો વિચાર પણ કરી લીધો. રેવતી મનમાં ઘાટ ઘડવા માંડી કે કેમ કરવું. ? આટલો ભોળો પરિવાર ,પ્રેમાળ પતિ અને લાડકો દિકરો હેત પોતાના મા બાપ ....બધો વિચાર કરી હચમચી ગઈ. થોડા દિવસ એમ જ વીતી ગયા. હવે કચકચ નો' તી કરતી એટલે રાજેશ પણ ખુશ હતો. નિયતિ ક્યારે કેવી ભૂલ કરાવી બેસે એ નક્કી નથી હોતું. નબળું મન અવળું પગલું ભરવા ઉત્સાહિત કરે ત્યારે મનને વશમાં રાખવું કઠિન જ નહી અશક્ય થઈ જાય છે. કહેવાય છે કે મન એક મિનિટમાં સો વિચાર કરી નાખે .બધા અમલમાં ન મૂકાય, પણ જ્યારે એક જ વસ્તુ મન પર હાવી થઈ જાય ત્યારે બીજી વસ્તુઓ વિસરાય જાય છે.અને આપણે એ વિસરવામાં કયા વિસ્તરી જઈએ એપણ જોતા નથી. ભલે રેવતીનું ભાવિ પૈસાથી રેલમછેલ ન હોય, ભાવિ ધુંધળુ દેખાય એવું બને, પણ રેવતી ઉજ્જવળ વર્તમાન નો'તી જોઈ શકી. પ્રેમાળ પતિ અને પરિવારને ભૂલી એક ભંયકર વિચાર કરી બેઠી. રાત્રે ઢોકળા બનાવ્યા. બધા સાથે જમ્યા . વાસણ પોતાથી પરવારી ઘરમાં આવી. રાજેશે કહ્યુ કે હેત વહેલો કેમ સુઈ ગયો? બહુ રમ્યો' તો . થાકીને સૂઈ ગયો. હું ઢોકળા ગંગાબા ને આપીને આવી .વાસણ કર્યા ઈ પેલા... રાજેશે કહ્યુ કે સારુ થયુ આમેય ઉમર વાળા છે એક સમય ન બનાવુ પડે. બીજે દિવસે બધા સભ્યો નોકરી મંદિરે ગયા ને રેવતી ગંગાબાની ધરે.......****************************થોડા મહિનાઓ પછી..... રેવતી નામ બદલીને પેલા ટ્રક વાળા જોડે રહેવા લાગી હતી. ટ્રક વાળાનુ નામ જીવન હતું. રેવતી પોતાને અહી ચંપા તરીકે ઓળખાવતી હતી. રોજ ઝઘડાં થવા લાગ્યા . જીવન ની દારૂની આદત પણ ગમતી નો'તી . રોજ પીને આવે ને હેરાન કરે. ગુસ્સો તો સાતમા આસમાને રહેતો હતો .બધા પાડોશમાં શંકાની નજરે જોતા કે ચંપાએ લગ્ન કરવા કેમ હા પાડી હશે?..ચંપા ફસાઈ ગઈ હતી. જે ટ્રક નું સાંભળીને આવી હતી તે ચાર ટ્રક નો માલિક નહી ડ્રાઇવર હતો. ઉઘરાણીના રુપિયા પણ શેઠને આપી દેવાના. ખાલી પગાર મળતો એમાં પણ મોટો ભાગ દારુમાં વપરાઈ જતો. હવે ચંપાના ખબર પડી કે ગુમાવ્યું શું? રાજેશે આટલા વરસમાં ઉંચા અવાજે વાત નો'તી કરી. દારૂ તો દુર કંઈ વ્યસન ન હતું. એ શિક્ષક હતો ને જીવન અભણ........******************હવે જોઈએ રેવતી સવારમાં ગંગાબા ના ઘરે જઈ ને શું કર્યુ. ગંગાબાની લાશ લઈ ને પોતાની ઘરે આવી . પોતાની સાડી તથા બંગડી ગંગાબાને પે'રાવી. પોતાની ઝાંઝરી પણ.હેતનો ફોટો ઉપર મૂકી લાશ સળગાવી દીધી. પોતાની આત્મહત્યા દેખાડી રફુચક્કર થઈ ગઈ. બધા ઘરે ભેગા થઈ ગયા. રોકકળ ચાલુ .....સમય જતા બધાએ સ્વીકારી લીધુ કે રેવતી બધાને મુકીને ચાલી ગઈ. થોડા મહિનાઓ વીતી ગયા. ગામને જે હાઈવે અડતો તો ત્યાં ચા ની હોટલ હતી. હોટલના ચંદુએ એકવાર રાતના રેવતીને વિજળીના ચમકારામાં ટ્રકમાં બેઠેલી જોઈ લીધી હતી. તે દિવસે અનરાધાર વરસાદ પડતો હતો. *********** રાજેશનો ભેટો થતા ચંદુએ આ બધી વાત તેને કરી. રાજેશને આનંદ સાથે આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે શક્ય બને! રાજેશે રેવતીને શોધવા નજીકના પોલીસ સ્ટેશન ગયો. રેવતીના ગુમ થવાની ફરિયાદ લખાવી પાછો ફર્યો. રાજેશ હતાશ અને ખુબ ખુબ દુઃખી હતો. કયા કારણસર રેવતી ચાલી ગઈ ?? મારા પ્રેમમાં ક્યાં ઓટ આવી. ?? ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા રાત વિતાવી. પણ એ જોવા રેવતી ક્યાં અહી હાજર હતી.!!************ આ બાજુ ચંપા પણ જેમતેમ સમય કાઢતી હતી. અફસોસના દરિયાને પાર કરીને આવી પણ જાય, રાજેશ અપનાવી પણ લે , પરંતુ પેલા નિર્દોષ ગંગાબાનો જીવ લીધો ઈ કેમ ભૂલાય??હવે પાછી આવે તો ગંગાબાના હત્યા ના કેસમાં જેલ જવું પડે. જીંદગીનો પાછળનો દરવાજો બંધ કરીને ચંપા બનીને જીવન પાસે આવી એ એના જીવન ની મોટામાં મોટી ભૂલ ગણાય. કારુણ્ય પણ... એક અસંતોષ રેવતીને ચંપા સુધી ઢસડી ગયો.એ મોતના ગુનાના લિસોટા સાફ કરે તો કેમ કરે? પૈસાની લાલચ, અતિ સારા સુખમય જીવનનો લોભ રેવતી છોડી ન શકી. શું પરિણામ આવ્યું ?...એકલી ,અટૂલી, પિયર વગરની, નોંધારી, બાપડી ને બિચારી ચંપા બનીને રહી ગઈ. પકડાઈ ન જાય તે માટે ઘરની બહાર પણ નીકળી નો'તી. જીવનને વારંવાર કહેતી રહી કે તે મને છેતરી..... જીવને તો કહી દીધુ તું સામે ચાલીને આવી. મેં તને ક્યારેય નથી કીધુ કે ટ્રક મારા છે . તે પુછયુ ચલાવે છે તો મેં ડ્રાઇવર તરીકે જ હા પાડી. શેઠના રુપિયા રાખી લઉ તો નોકરી જાય. હવે તારુ નસીબ સમજીને પડી રહે મારા જેવા દારૂડિયો સાથે....ચંપા વલોપાત કરતી રહી. આંસુ સારી રહી. જીવતી લાશ બનીને રહી ગઈ. ************** આ બાજુ પોલીસ તપાસ કરતી રહી કે રેવતી જીવે છે તો લાશ કોની હતી? ગામની વસ્તી ગણતરીનું લીસ્ટ કઢાવ્યું. ઘણી વાર પોલીસ ગામમાં આવી હતી. ઘણીવાર તપાસ કરીને ગયા હતા ,પણ દરવખતે કંઈક ને કંઈક છુટતુ હતું. આ વખતે ગામના લોકોના નામ સરનામા સાથે આત્મવિશ્વાસથી ફરી ગામમાં આવ્યા હતા. રાજેશ પોતાની પત્ની પાછી મેળવવા આકાશ પાતાળ એક કરતો હતો. પોલીસ ને પુરો સહકાર આપતો હતો . હવે એક એક ઘર ખખડાવતા હતા.દરેક ઘરની પુછપરછ થઈ. રાજેશના ઘર આગળ ખાટલામાં હેત દાદા દાદી જોડે રમતો હતો.આમ,તો હવે મોટેભાગે મામાના ઘરે જ રહેતો હતો. આજે રાજેશ લાવ્યો હતો. ત્યાં પોલીસકર્મીઓ આવ્યા ને ગંગાબા ના ઘર તરફ આંગળી ચીંધીને હેતના દાદાને કડકાઈથી પુછે છે છે, ત્યાં કોણ રહે છે?દાદાએ જવાબ આપ્યો ગંગાબા.નેવું વરસની ઉંમર થઈ એટલે બહાર નીકળતા નથી. ત્યાં ગામના સભ્યોના નામની યાદી લઈ ને દોડતો એક પોલીસ કોન્સ્ટેબલ આવ્યો.. અંતે ગંગાબાના ઘરનો વારો આવી જ ગયો. કેટલું ખખડાવ્યુ . કોઈ એ ન ખોલ્યુ . ત્યારે પોલીસે દરવાજો તોડવાનો આદેશ આપ્યો. ઘરમા જઈને જોયું કોઈ જ ન હતું. જીવતું જાગતું માણસ ગાયબ!!!!!!!!પોલીસતંત્ર સફાળું જાગી ગયું. ચંદુની પુછપરછ થઈ. પોલીસે પુછ્યું કે એ ટ્રક પાછો અહીંથી નીકળે તો ઓળખી જઈશ? ચંદુએ હા પાડી ને બધા જીવનના ટ્રક ની રાહ જોવા લાગ્યા. એક દિવસ અચાનક જીવનનો ટ્રક ઊભો રહયો..વધારે મહિનાઓ વીતી ગયા હોવાથી બેફિકર થઈ ચા પીવા આવ્યો. ચંદુએ સાવધ થઈ પોલિસને ફોનમાં મેસેજ કરી દીધો . જીવનને વાતો એ વળગાડી પોલીસની રાહ જોવા લાગ્યો. પોલીસ આવી ગઈ. જીવનને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. જીવને પોતાની પત્નીનું નામ ચંપા કહ્યુ. રાજેશે કહ્યુ કે મારી પત્નીનું નામ તો રેવતી છે. પોલીસને જીવને જે સરનામુ આપ્યુ ત્યાંથી પોલિસ કર્મચારીઓ ચંપાને લઈ આવ્યા. રેવતીના મા બાપ પણ ઓળખ માટે પોલીસ સ્ટેશન આવી ગયા હતા. ચંપાના જોતા બધા રેવતી રેવતી કરવા લાગ્યા. રેવતી ઉર્ફે ચંપાએ ફાંસીની બીકે કહી દીધુ કે અમારા ચહેરાઓ સરખા હશે.. હેત પણ રડવા લાગ્યો મમ્મી મમ્મી....... રેવતીનો બંધ છૂટી ગયો ને અશ્રુ નો દરિયો વહાવી દીધો. રાજેશે કહ્યુ કે હેત મોટો થઈ ને પુછશે કે મમ્મીએ શું કર્યુ ? શા માટે જેલમાં છે? તો હું શું જવાબ આપીશ......રેવતી પાસે કોઈ જવાબ નહોતો. રડતી રહી ને માફી માગતી રહી. જીવન નિર્દોષ છૂટી ગયો. થોડી ઘણી સજા થઈ .ફોસલાવીને ભગાડી જવાના ગુનાની નોંધ થઈ. જીવને ગંગાબાની હત્યા નું સાંભળીને આંચકો અનુભવ્યો હતો.**********************આ એક સત્ય હકીકત છે.ભૂતકાળમાં બનેલ એક ઘટના મેં અહીં એટલે પ્રસતૃત કરી કે પોલીસકર્મીએ ગંગાબાના ઘર તરફ આંગળી ચીંધીને પુછયુ હતુ કે ત્યાં કોણ રહે છે?
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)