એક રાત- ઝંખના

18 માર્ચ 2022By Vandana Patel
એક રાત- ઝંખના મારા ઘરની સામે જ ઝંખનાનું ઘર. અમે બંને રવેશમાં ઘણીવાર સામસામે આવી જઈએ તો વાતો કરી લઈએ. ઝંખના પડોશમાં રહેતી હોવાથી મારી સખી બની ગઈ હતી. હમણાં થોડા દિવસોથી ઝંખના દેખાતી ન હતી. મેં બે ત્રણ વાર ફોન કરી જોયો, પણ નેટવર્કની બહાર બતાવતો હતો. ખબર નહીં કેમ ! મને મનમાં છૂપી ચિંતા થઈ. ઝંખનાને એક દીકરી છે. એ કૉલેજના છેલ્લા વરસમાં ભણે, એ કદાચ ઘરે હશે એમ માની હું ઝંખનાના ઘરે ગઈ. ઝંખનાના ઘરે તાળું લટકતું હતું. હું વિચારમાં પડી ગઈ.થોડા દિવસો પછી.........                       એક દિવસ અચાનક જ મારા ઘરનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. હું દરવાજો ખોલવા ગઈ. મેં દરવાજો ખોલતા જ ઝંખનાને સામે જોઈ. હું ખૂબ ખુશ થઈ ગઈ. હું એનો હાથ પકડીને અંદર લઈ આવી. મેં કહ્યું કે તું રવેશમાં બેસ. હું ત્યાં ચા લઈને આવું છું.                   અમે બંને આરામથી રવેશમાં બેસી ચા પીતાં-પીતાં વાતોએ વળગ્યા. મેં પૂછ્યું કે તું હમણાં ઘણા દિવસથી કેમ દેખાતી ન હતી? ઝંખનાના મોં પર ઉદાસી છવાઈ ગઈ. મેં કહ્યું કે ઝંખના, તું વાત કર, હળવી થઈ જઇશ. ઝંખનાએ 'ચા' નો કપ ટિપોઈ પર મુકતાં વાતની શરૂઆત કરી.                       ઝંખનાએ મારી પાસેથી પહેલાં વચન લીધું કે હું કોઈને આ વાત ન કરું. મેં પણ વચન આપ્યું કે હું કોઈને નહીં કહું. વાત કંઇક આ પ્રમાણે હતી. ઝંખનાએ કહ્યું કે હું ન વિધવા છું કે ન સૌભાગ્યવતી. આ સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું. મેં વચ્ચે જ પૂછ્યું કે તો ફોરમ! દીકરી ફોરમનું નામ સાંભળી ઝંખનાની આંખોમાં આંસુ આવી ગયા.************                         ઝંખનાએ કહ્યું કે એક રાત એવી આવી કે મારા જીવનનો નિર્ણય કરતી ગઈ. હું ક્યાં હતી, ને ક્યાં પહોંચી ગઈ. હું 'જીવન જ્યોત' નામની શાળામાં સાતમા ધોરણમાં ભણતી હતી. એકવાર મારા પપ્પાનો અકસ્માત થયો. હું અને મારા મમ્મી ફટાફટ હોસ્પિટલ પહોંચી ગયા. મારે એક ભાઈ પણ છે. ખબર નહીં, હવે કેવો લાગતો હશે? શું કરતો હશે? મારો નાનો ભાઈ અમે હોસ્પિટલ જવા નિકળ્યા ત્યારે પાડોશમાં રમતો હતો. મારા એક કુટુંબી કાકા મારા પપ્પાને જોવા હોસ્પિટલ આવ્યા. તેઓએ મારા મમ્મીને કહ્યુ કે ભાભી, બંને છોકરાઓ મારી ઘરે રહેશે. તમે ચિંતા ન કરતા. હું તમારા ઘરેથી છોટુને પણ લેતો જઈશ. મારા મમ્મીએ હા પાડી. હું અને મારા કાકા છોટુને લઈને એમની ઘરે ગયા.                     મારા કાકીએ રસોઈ બનાવી અમને ભાઈ બહેનને  જમાડી દીધા. રાત પડવા આવી હતી. મારી આંખો ઘેરાવા માંડી.મને એમ થયું કે થાકના હિસાબે હું સુઈ ગઈ, પણ હું ખોટી હતી. મને ઊંઘની ગોળી ભોજન સાથે આપવામાં આવી હતી. આખી રાત મને શરીર પર ભાર વર્તાયો. સવારે ખબર પડી કે કાકાએ મારા પર ........ એ એક રાતને હું આજીવન કોસતી રહી.                      મારા કાકાને હું પુછુ એ પહેલાં જ કાકીએ ફરી ઊંઘની ગોળી નાખી દૂધ પીવડાવી દીધું. મારા કાકા મને કલકત્તા લઈ ગયા. ત્યાંની બજારમાં મને વેચી નાખી. ત્યાં સુધીના પ્રવાસમાં પણ મને ઊંઘની ગોળીઓ જ આપવામાં આવી હતી, કે જેથી હું બુમબરાડા ન પાડી શકું. કોઈની મદદ ન માગી શકું. એ બજારમાં કોઠા પર પહોંચી ત્યારે રાત પડી ચુકી હતી. એક ગોઝારી રાત- મારા જીવનની દિશા બદલી નાખી. મારું સ્થાન હવે કહેવાતા સભ્ય સમાજમાં ન હતું. મારી ઉંમર નાની હોવાથી મને નૃત્ય શિખવાડવું એ જ એમનો ધ્યેય હતો. હું પણ ખુશ હતી કે કાકા જેવી યાતના નહીં આપે. મારો ભ્રમ ત્રણ વર્ષમાં તુટી ગયો. મને ચમેલી નામ આપીને મારા સોદા થતા રહ્યા. હું કંઈ કરી શકુ એમ ન હતી. મેં ત્યાં એ પછી તેર વર્ષ પસાર કર્યાં. મને અચાનક જ ફોરમના આગમનની એંધાણી મળી. હું ખૂબ ખુશ થઈ ગઈ. મારા આવનાર બાળકના ભવિષ્ય માટે હું ત્યાંથી ભાગી છૂટી. જેટલું રોકડ અને સોનુ લેવાઈ એટલું લઈ લીધું. હું એ નર્કમાંથી ભાગવામાં સફળ થઈ. મારા બાળકના ભવિષ્ય માટે મારામાં આત્મવિશ્વાસ અને નિર્ણયમાં મક્કમ નિર્ધાર હોવાથી મને સફળતા મળી હતી.                           હું મારા જુના ઘરે ગઈ હતી. મારા મા-બાપે મને સ્વીકારવાની ના પાડી. છોટુ ઘરે ન હતો. ભાઈને મળ્યા વગર, મારા કોઈ વાંક વગર, જાકારાની ઝોળી સાથે, તરછોડાયાની લાગણી હ્રદયમાં દફનાવીને ત્યાંથી ચાલી નીકળી. મેં સમાજની પરવા ક્યારેય ન કરી, પરંતુ મા-બાપે દુનિયાનો નફરતભર્યો ચહેરો જોવા, સમાજમાં ઉપેક્ષાભર્યુ જીવન જીવવાં મજબુર કરી દીધી.                 કલકતાથી દૂર હું ગુજરાતમાં આવી ગઈ હતી. ફોરમ સાત વર્ષની થઈ ત્યારે અચાનક એ લોકો અહી આવી ચડ્યા. મને બાવડું પકડીને ઢસડીને લઈ જતા હતા. મેં ખુબ વિનંતી કરી કે મને અહીં રહેવા દો. તમે જે કામ કહો એ કરવા તૈયાર છું, પણ એ નર્કમાં મારે પાછુ નથી આવવું. મારી દીકરી ફોરમ માટે હું બધું જ કરી છૂટવા તૈયાર થઈ ગઈ. એ લોકોએ કલકત્તા ફોનમાં વાત કરી. એ તૈયાર થઈ ગયા કેમ કે એમને પૈસા કલક્તાની સરખામણીએ અહીંથી (ગુજરાતમાંથી) વધારે મળવાના હતા.               મેં મારી દીકરી અઢાર વર્ષની થઈ ત્યારે બધી વાત કરી દીધી હતી. એ લોકો ફોરમને પણ આ ધંધામાં ખેંચવાના હતા, એ તો પાક્કું જ હતું. હું ફોરમની કોલેજ પૂરી કરવા દેવાની વિનંતી કરતી રહી, પણ છેલ્લા વરસમાં ખૂબ ખૂબ મુશ્કેલી ઊભી થઈ રહી હતી. એ લોકો ગમે ત્યારે કોલેજ પહોંચીને ફોરમને હેરાન કરતા હતા. મેં નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે મારી દીકરીને બચાવવી જ છે.                     મેં ફોરમને વિદેશ મોકલવાની તૈયારી આરંભી દીધી. હું વીઝા આવી જતાં ફોરમને મૂકવા મુંબઈ ગઈ હતી. ફોરમનો ત્યાં જઈને ફોન નંબર ચેન્જ થઈ જશે. મેં ફોરમને અહીં (મને) ફોન કરવાની પણ ના પાડી દીધી છે. ફોરમ હવે ત્યાં માસ્ટર કરીને ત્યાં જ સેટલ થઈ જશે. ફોરમની ફ્લાઈટ રાતના સાડા બારે હતી. અમારા જીવનમાં આ એક રાત એવી આવી કે મારી ફોરમનું ભવિષ્ય બગડતાં બગડતાં રહી ગયું.                   હું ઉદાસ છું કે હું હવે ક્યારે મારી દીકરીને નહીં મળી શકું. મેં પૂછ્યું કે કેમ ? ઝંખનાએ કહ્યું કે મને કેન્સર છે. મેં ફોરમને ના પાડી દીધી છે કે તું હવે ભારત ક્યારેય ન આવતી. એટલે જ આ થોડા દિવસો અમે બંને મા-દીકરીએ મનભરીને સાથે રહીને જીવી લીધા. હું અમારી સુમધુર યાદોથી તૃપ્ત થઈ, મુંબઈથી અહીં આવી ગઈ.                                    મને અચાનક મૃત્યુ આવે તો મારા અંતિમ સંસ્કાર તું કરી દેજે. તું સ્વતંત્ર છો કે તારે મારા વિશે સાંભળ્યા પછી આપણો સંબંધ તોડવો હોય તો.....મેં એના મોં પર હાથ મૂકી દીધો. મારી આંખોમાંથી ગંગા જમના વહેતી હતી. જે જીવન કથની સાંભળીને હું હચમચી ગઈ, એ જીવન ઝંખના જીવી રહી હતી.                   મેં મારા રવેશથી સામેના રવેશમાં નજર કરી તો ત્યાં હિંચકામાં ફોરમની યાદ હિંચકતી હતી. સ્મિતના પુષ્પો વેરતી હતી. એક અલગ જ અનુભૂતિ થઈ.  ફોરમ ભલે અદ્રશ્ય થઈ, પણ એનું ભાવિ ઉજ્જવળ થયું.- મેં એ સંતોષ સાથે ઝંખના સામે જોયું.          ઝંખનાને પણ વિશ્વાસ બેઠો કે હું એની સાથે છું. મારે તો ઝંખનાનો સાથ પણ છૂટવાનો જ હતો. અમુક સંબંધો ટુંકાગાળાના હોય પણ એક અવિસ્મરણીય અને અવિભાજ્ય અંગ બનીને રહી જતા હોય છે. ઝંખનાની કોઈ ઈચ્છા કે સપનાં પુરા ન થયા, એ સ્ત્રીને મા-બાપ અને ભાઈનો સાથ છુટયો, પરંતુ એક બાપ વગર દિકરીને ભણાવી ગણાવી એની જીંદગી સુધારવાનો સંતોષ એના મુખ પર ઝળકતો હતો.                                           હું મારી જાતને સવાલ પૂછતી રહી. એના શબ્દો  મારા હૃદયને વેદનાથી ભરી મને અંદરથી હચમચાવી ગયા હતા. હું એક આછી ધ્રુજારી સાથે હલી ગઈ. મેં પુછ્યુ કે ઝંખના, એ લોકોને તારી ભાળ કેવી રીતે મળી? ઝંખનાએ કહ્યુ કે કદાચ, પેલા કુટુંબી કાકાને જ આ કામ સોંપ્યુ હતું. એ નાલાયક કાકો શરમનો માર્યો મારી સામે તો આવ્યો જ નથી, પણ મારા મા-બાપને જવાબ ન દેવા પડે એટલે એ શહેર તો એણે કલકત્તાથી પરત આવતા જ છોડી દીધું હતું.                                         હું ખુબ  ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ. ઝંખના મને ઢંઢોળતી હતી. મેં સ્વસ્થ થતા ઝંખનાને પોલીસમાં ફરિયાદ કરવાનું કહ્યું. હવે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત હોવાથી એ તૈયાર થઈ. ઝંખનાના હ્રદયમાં કેટલાય વર્ષોથી હોળી ભડભડ ભડકે બળતી હશે એની હું કલ્પના કરી શકી.                               ઝંખનાએ મન મક્કમ કરી મોબાઈલમાંથી પોલીસને નંબર ડાયલ કરી જ દીધો. સમાપ્ત. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!