અક્ષત- અણિશુધ્ધ પ્રેમ
અક્ષત એટલે અણિશુધ્ધ ચોખ્ખું. બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અક્ષત જેવો જ હોય છે, અણિશુધ્ધ.બહેન આશાએ ભાઈ અમરદીપને કંકુ, અણિશુદ્ધ ચોખા, અને સાકર એક પરબિડીયામાં મૂકીને રાખડી સાથે આ બધી સામગ્રી મોકલાવી હતી. ભાઈ અમરદીપ દેશની સરહદે પોતાની ફરજ નિભાવી રહ્યો હતો.બંને ભાઈ-બહેન માતા-પિતાને ખૂબ વ્હાલાં હતાં. માતા-પિતાને મન બંને સંતાનો પોતાની આંખોની કીકી જેવા હતાં. બહેન આશાએ રાખડી તથા અન્ય સામગ્રી માતાને બતાવીને, બધું બરાબર પુછીને જ પરબિડીયું મોકલાવ્યું હતું.******આ બાજુ સરહદે અમરદીપ વારંવાર આશાનો પત્ર વાંચીને ખૂબ જ ખુશ થાય છે. અમરદીપ રક્ષાબંધનના દિવસે સવારે વહેલો ઊઠીને ન્હાવાનું પતાવીને અરીસા સામે ઊભો રહે છે. અમરદીપની બહાર આવવાની રાહ જોતો તેનો એક મિત્ર આશાના પરબિડીયામાંથી ચાંદલો કરીને *અક્ષત* લગાવીને તૈયાર ઊભો હોય છે.અમરદીપ જાતે કપાળમાં કંકુનો ચાંદલો કરીને અક્ષત લગાવવા જાય છે , ત્યાં જ યુધ્ધનાં નગારાં વાગ્યાં. અક્ષત લગાવવાના રહી ગયાં! અમરદીપ એ હાજર રહેલાં મિત્રની મદદથી જલ્દી-જલ્દી જમણા હાથના કાંડા પર રાખડી બાંધે છે. બંને મિત્રો ગળે મળીને સાકર ખાય છે. હજી તો બંને મિત્રો વાત કરે એ પહેલાં જ .... અચાનક યુધ્ધનું રણશીંગુ પાછું ફૂંકાયું. બંને મિત્રો છાવણી નજીક પહોંચી ગયા. કમાન્ડોએ ગણવેશ પહેરીને કારતુસ સાથે સજ્જ થવાનું કહ્યું. પંદર મિનિટમાં સૌ સૈનિકો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. સૈનિકો ધાંય...ધાંય...ગોળીઓના વરસાદ વચ્ચે દુશ્મન દળનો ખાત્મો બોલાવ્યે જતાં હતાં, ને આગળ વધતા જતા હતા. દુશ્મન દળને દૂરરાખવું જરુરી બની ગયું હતું, કારણકે છાવણીમાં અર્ધબેહોશ અને ઈજાગ્રસ્ત સૈનિકોની સંખ્યા વધતી જતી હતી. અમરદીપ ઉતાવળ કરવા ગયો ને, રાખડી છૂટી ગઈ. જે મિત્રે રાખડી બાંધવામાં મદદ કરી હતી, એ મિત્રની નજર રાખડી પર પડી ગઈ. અમરદીપનું ધ્યાન કાંડા પર ગયું, પણ હવે એ રાખડીથી દૂર પહોંચી ગયો હતો. અમરદીપે ત્રાડ પાડીને કહ્યું "દોસ્ત, તું બાંધી લે." બેધ્યાન અમરદીપની પીઠ પર અચાનક જ ગોળીઓનો વરસાદ થયો, ને એનું પ્રાણપંખેરું ઊડી ગયું.ઘમાસાણ યુધ્ધ પછી સ્મશાનવત્ શાંતિ...અમુક વીર જવાનોની ચિરવિદાય...અમુક સૈનિકોને કાયમી અપંગતા ભેટ મળી.*********માનસિક તાણ અને હતાશા વચ્ચે ચૌદ સૈનિકોના મૃતદેહોને માનસહિત ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. અમરદીપના મૃતદેહને ઘરે મૂકવા એ મિત્ર આવ્યો, જેના કાંડા પર રાખડી શોભતી હતી. આશા અમરદીપના મૃતદેહને જોઈ રહી. અમરદીપના કપાળે ચાંદલો હતો, પણ અક્ષત ન હતાં. આશાના કલ્પાંતે હાજર રહેલાં સૌના કાળજા કંપી ગયા. અમરદીપના માતાપિતાએ એકમાત્ર સહારો ગુમાવ્યો. તેઓની હાલત અસહનીય અને દયનીય બની ગઈ. તેઓની આંખોમાં આંસુ ન આવ્યા. તેઓ આ કારમો આઘાત લાગવાથી રડી શકતા ન હતાં, જાણે પથ્થર બની ગયા. આશા એક જ વાક્ય બોલી રહી હતી. ભાઈ, કંકુનો ચાંદલો કરીને *અક્ષત* કેમ ન ચોડયા? પેલો મિત્રે આશાને ધીરજ બંધાવતા કહ્યું "આજથી હું તારો ભાઈ." ********એ ગોઝારી રક્ષાબંધન પછી આશા દરેક રક્ષાબંધનના દિવસે દેશની સરહદ પર જતી હતી.આશા અમરદીપને યાદ કરતા-કરતાં દરેક સૈનિક ભાઈના કપાળે કંકુનો ચાંદલો કરી, અક્ષત લગાવીને રાખડી બાંધતી હતી. પેંડાથી મોં મીઠું કરાવીને અનેક શુભાશિષ આપતી હતી.સમાપ્ત.~ વંદના પટેલ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)