શ્યામ (નવતર જીવતર સ્પર્ધા- ટોપ-10માં વિજેતા વાર્તા )
રજની અને રાકેશનું એકમાત્ર સંતાન એટલે શ્યામ. રાકેશનો બેઠા ઘાટનો બંગલો સરસ મજાની લોન પર શોભી રહ્યો હતો. ઘરઆંગણે બગીચામાં હિંચકો પણ હતો. શ્યામ પાણી માગે તો દૂધ હાજર થાય અને નોકર-ચાકર પડ્યો બોલ ઉપાડે, આવી પરિસ્થિતિમાં પણ શ્યામ ખૂબ વિવેકી, ડાહ્યો તથા ભણવામાં હોશિયાર હતો. તે હંમેશા શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને તરણ સ્પર્ધામાં ભાગ લેતો હતો. તે તરવામાં ખૂબ ચપળ હતો. તેણે કોલેજ અભ્યાસ પૂરો થતાં થતાં તરવામાં સોનાનો ચંદ્રક જીતી લીધો હતો. તે અભ્યાસ પૂરો કર્યા પછી પિતાના ધંધા‐ઉદ્યોગમાં જોડાઈ ગયો હતો. રજની અને રાકેશે શ્યામના રાધા સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યાં હતાં. શ્યામ પત્ની રાધા સાથે પ્રસન્ન દામ્પત્ય જીવન જીવી રહ્યો હતો. એકવાર શ્યામે બધાં મિત્રો જોડે પ્રવાસનું આયોજન કર્યું હતું. શ્યામની પત્ની રાધાએ ખૂબ સરસ રીતે નાસ્તાો, ફળ, ઠંડુ પીણું વગેરે તૈયારી લીધી હતી. રાધા ખૂબ ઉત્સાહમાં હતી કે હું શ્યામને નવા આવનાર મહેમાનની ખુશખબર દરિયાકિનારે જ આપીશ. બધાં મિત્રો સપરિવાર સાથે નિયત દિવસે દરિયાકિનારે પહોંચી ગયા. સૌ મિત્રો એકસાથે પાણીમાં મસ્તી કરતાં હતાં. રાધા આવીને શ્યામના ગળામાં હાથ અને આંખોમાં આંખ પરોવીને બોલી હતી "શ્યામ.. "ત્યાં તો શ્યામનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.હતું. શ્યામ પણ રાધાની કમરમાં હાથ વિંટાળીને બોલ્યો " બોલ મારી રાધા." રાધા કંઈ બોલે એ પહેલાં તો દરિયામાં આવેલ મોજું શ્યામને તાણી ગયું. રાધા પણ ડૂબવા લાગી હતી, એટલે બધાં મિત્રો રાધાને બચાવવામાં પડી ગયાં હતાં. બધાં મિત્રોએ વિચાર્યું કે શ્યામને તો તરતાં આવડે છે ને!**********વીસ વર્ષ પછી....બંસરી રાધાને હલબલાવે છે. બંસરી રાધાને પુછે છે "મમ્મી, મમ્મી ક્યાં ખોવાઈ ગઈ?" રાધા કહે છે "તારા પપ્પાનું અચાનક તણાવું, અમારી જુદાઈનો દિવસ યાદ કરતી હતી. બંસરી મમ્મીને દિલાસો આપતાં કોલેજ જતાં પહેલાં કહી ગઈ "મારા પપ્પા એક દિવસ જરુર આવશે."વીસ વર્ષ પછી પણ આશાની જ્યોત પેટાવીને રજની અને રાકેશ દરરોજ કાગડોળે રાહ જોતાં હતાં કે એકદિવસ અમારો દિકરો ઘરે જરુર પાછો આવશે. ****************વીસ વર્ષ પહેલાં..... જ્યારે શ્યામ તણાવા લાગ્યો ત્યારે તરવાની કોશિશ કરી રહ્યો હતો. શ્યામ તરતા અને તણાતા-તણાતા દૂર નીકળી ગયો હતો. તે થાકી ગયો હોવાથી નિરાશ થઈ ગયો હતો. કયાંય જમીન કે કિનારો નજરે પડતો ન હતો. શ્યામની ચારેબાજુ અફાટ જળરાશિ...પાણી જ પાણી.... શ્યામે કોણ જાણે કેટલાં દિવસો ભૂખ્યાં-તરસ્યાં પાણીમાં કાઢ્યા હશે. શ્યામના હાથોમાં એક લાકડાના ઝાડનું થડિયું કયાંકથી આવી ચડ્યું. શ્યામ એક અજાણ્યા દરિયાકિનારે પહોંચ્યો.*********** શ્યામ એક ઝૂંપડીમાં સુતો હતો. ચારેબાજુ જોયા પછી ફરીથી આંખો બંધ કરી દીધી. તે ખૂબ થાક અનુભવતો હતો. અહીં ઝૂંપડીમાં આદિવાસીઓ ચિંતામાં પડી ગયા છે આ યુવાન કોણ હશે, કયાંથી આવ્યો હશે? આદિવાસીઓ આ યુવાનને ઠીક કરવા માટે દિવસ-રાત એક કરી નાખે છે.આદિવાસીઓએ ખૂબ મહેનત કરી, જાતજાતની જડીબુટ્ટીઓ આપીને સાજા કરવાની કોશિશ કરે છે. યુવાનને કંઈ યાદ આવતું ન હોવાથી યાદશક્તિની જડીબુટ્ટીઓ પણ આપવાનું શરુ કરી દે છે. આદિવાસીઓ જાતજાતની જડીબુટ્ટીઓનો રસ નિયમિત પીવડાવવા લાગ્યા. શ્યામ 'મામા' શબ્દ સાથે કોઈ ગામનું નામ બબડતો રહેતો હતો. આદિવાસીઓ મહેનત કરીને એ ગામનું નામ જાણી લે છે. આજે અચાનક પંદર વર્ષે શ્યામને મામાનું ગામ યાદ આવ્યું.આદિવાસી કબીલાના માણસો રાજી રાજી થઈ ગયા.જાણે આ કબીલો આ યુવાનને નવતર જીવતર આપવાનો આનંદ ઉરે સમાવી શકતો ન હતો. જોગાનુજોગ યુવાનના મામાનું ગામ અહીંથી નજીક હતું. બધાં કબીલાવાસી યુવાનને એનાં મામાને ગામ મૂકવા આવવાની જીદ કરે છે. શ્યામ માન્યો નહીં. શ્યામ હવે, એ લોકોને વધારે તસ્દી આપવા માંગતો ન હતો. કબીલાનાં માણસોએ જડીબુટ્ટીઓ સાથે આપી અને કેવી રીતે લેવી, એ સમજાવ્યું. શ્યામ બધાંની ભાવભરી વિદાય લઈને બસમાં બેઠો. મામાનું ગામ આવતા જ ઠેકડો મારીને નીચે ઉતર્યો. શ્યામના મામાનું ઘર ગામની વચોવચ એટલે ફટાફટ પહોંચી ગયો. મામા-મામી શહેરમાં પુત્ર સાથે રહેવા માટે ચાલ્યા ગયાં હતાં. શ્યામ એ શહેરનું નામ પરાણે યાદ રાખીને ગામની ભાગોળે વડલા નીચે બેઠો. તેણે જડીબુટ્ટી લેવાનો સમય યાદ આવતા પાણી સાથે પી લીધી. શહેરની બસ આવી. શ્યામ બસમાં બેસી શહેરમાં પહોંચી ગયો. શ્યામની આંશિક યાદશક્તિ મામા સુધી જ સિમિત થઈ ગઈ હતી. શહેરમાં બસ સ્ટેશને ઉતરીને મામાના દીકરાનું એડ્રેસ લખેલો કાગળ શોધવા લાગ્યો, પણ મળ્યો નહીં. શ્યામ વિચારવા લાગ્યો કે હવે શું કરવું? શ્યામે હિંમત ન હારી. તેણે છુટક મજુરી કરવાનું ચાલું કર્યું. શ્યામના હોઠ આપોઆપ ગુણી વજન અને પૈસાનો હિસાબ કરવા લાગી જતા જોઈ શેઠે હિસાબનીશ તરીકે નોકરી આપી દીધી. શેઠે શ્યામના હાથ પર 'શ્યામ' નામનું છૂંદણુ જોયું, ત્યારથી શ્યામ કહીને જ બોલાવતા હતા. એકસમયે ભૂતકાળમાં શ્યામ એક લાખેપતિ શેઠનો દીકરો, પોતે લાખોનો વહીવટ સંભાળ્યો હતો, આજે ફરીથી મજુરીકામથી ચાલુ કરીને હિસાબનીશ બન્યો હતો. એક જ જગ્યાએ નોકરી કરતો હોવાથી વિશ્વાસુ બની ગયો હતો. એકવાર શેઠના કામથી કાર લઈને જતો હતો, ત્યારે રસ્તામાં તરણ સ્પર્ધામાં ભાગ લેવાની સુચના વાંચી. તેણે એક અજબ ઝણઝણાટી શરીરમાં અનુભવી. તેણે પેઢીએ આવીને શેઠને વાત કરી. શેઠે શ્યામને તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે હા પાડી. શ્યામ નિયત સમયે ફોર્મ ભરીને નિયત સ્થળે શેઠ સાથે પહોંચી ગયો હતો. તરણ સ્પર્ધા શરુ થઈ. શ્યામને ઉંમર તો યાદ હતી નહીં, એટલે આયોજકે એની રીતે ચાલીસ વર્ષ ઉપરની ઉંમરના સ્પર્ધકોમાં સમાવેશ કર્યો હતો. આજે ત્રણ વર્ષમાં ઠીકઠીક બચત કરી લીધી હતી. પોતાનો જૂનો શોખ પણ પૂરો થવા જઈ રહ્યો હતો. આજે શ્યામ ખુશ હતો. તરણ સ્પર્ધા શરું થઈ ગઈ હતી. આજે શ્યામ થાક્યો નહીં. સોળસો મીટરની લાંબી હરિફાઈ પણ વિના વિઘ્ને પૂરી કરી. અચાનક એક નાની છોકરી બાજુના પુલમાં ડૂબવાં લાગી. શ્યામે ઝડપથી એ છોકરીને બચાવી લીધી. શ્યામનું બહાર નીકળતી વખતે ધ્યાન ન રહ્યું ને પગ લપસ્યો. શ્યામના માથામાં લાગ્યું હોવાથી શેઠ શ્યામને લઈને ફટાફટ હોસ્પિટલ પહોંચ્યા, સારવાર ચાલુ કરી. શેઠના આશીર્વાદથી શ્યામનું ઓપરેશન સફળ થયું. આ શેઠની મદદથી ડોકટરે શ્યામને નવતર જીવતર આપ્યું. શેઠે શ્યામના માથા પર હાથ ફેરવીને કહ્યું " શ્યામ, તું મારા દીકરા જેવો છે." શ્યામે આંખો ખોલી. શેઠ રાજી થયાં. શ્યામને જ્યુસ આપીને નર્સ જતી રહી. શ્યામે નાના બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો. એ ચમક્યો. હોસ્પિટલમાં અજાણ્યા યુવાન દંપતીની વાતોથી વિહવળ થયો. શેઠે આ ફેરફાર નોંધ્યો. એ જઈને જાતે ડોકટરને મળ્યાં. ડોકટરે તપાસીને મગજના નિષ્ણાતને બોલાવ્યા. મગજના નિષ્ણાતે જરુરી સવાલો પુછ્યાં. શ્યામને મગજ કસવા છતાં અમુક સવાલોના જવાબ ન આવડ્યાં. હવે, સાજા થયા પછી શ્યામે ફરીથી શેઠને ત્યાં નોકરી અને તરણ સ્પર્ધામાં ભાગ લેવાનું શરુ કરી દીધું. ધીમે-ધીમે ધંધામાં ભાગીદાર બની ગયો હતો. તે વિશ્વાસુ નોકરમાંથી ભાગીદાર બની ગયો હતો, એ અદેખાઈથી ભરેલાં લોકોને ન ગમ્યું. બીજા બે વર્ષ પસાર થઈ ગયા હતા. શ્યામ હવે લાખોનો વહીવટ કરતો હતો, ને લાખોપતિ પણ બની ગયો હતો. એકવાર શ્યામ માલથી ભરેલ ગાડી પાસેથી પાછો વળીને ગાદીએ બેસવા જતો હતો ને કોઈએ ધક્કો મારી દીધો. શ્યામને કપાળે ઊંડો ઘા વાગ્યો, પણ યાદશક્તિ પાછી આવી ગઈ. આ કેવો ચમત્કાર! હવે પોતે આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે પોતે પોતાના જ શહેરમાં હતો!******** શ્યામ વીસ વર્ષ પછી પોતાના બંગલામાં પગ મૂકે છે. હિંચકે બેઠેલાં વયોવૃદ્ધ માતાપિતાને પગે લાગીને ભેટી પડે છે. પોતે શૂન્યમાંથી સર્જનની યાત્રા કેમ, કેવી રીતે, કયાંથી શરુ કરી, એનું વિગતવાર વર્ણન કર્યું. ઘરના ઊંબરે ઊભેલાં રાધા અને બંસરી શ્યામ સામે ટગર-ટગર જોતા રહ્યા, સાંભળતા રહ્યા. શ્યામ રાધાને જોઈને ભેટી પડ્યો. બંનેને દરિયાકિનારાનું દ્રશ્ય યાદ આવી ગયું. બંને આંખોમાં આંસું સાથે હસ્યાં. શ્યામે બંસરીને 'મારી દીકરી' કહીને બોલાવી, તો બંસરી પણ પપ્પાને ભેટી પડી. બંસરીએ કહ્યુ " પપ્પા, હું વાર્તા સ્પર્ધામાં સત્ય ઘટનાના શીર્ષક હેઠળ નવતર જીવતરની વાર્તા લખીશ. તમે ધન્યવાદને પાત્ર છો. તમારી પ્રેરણાત્મક અને સંઘર્ષભરી જીંદગી આશા-નિરાશા અને સુખ-દુઃખ પર પ્રકાશ પાડે છે"દરિયામાં ડૂબી ગયેલા પતિને ફરીથી સજીવન થયેલા જોઈને રાધાના આનંદ અને આશ્ચર્યમિશ્રિત ભાવથી ભરેલાં અપલક નેત્રો વધારે વિહવળ બન્યાં. આજે જ બંસરી કોલેજે જતી વખતે મને કહી ગઈ હતી "મારા પપ્પા એક દિવસ જરુર આવશે." સાચે જ શ્યામ ઘરે આવી ગયો! શ્યામે ખૂબ ખૂબ આનંદ સાથે નવી જીંદગીની શરુઆત કરી. શ્યામે પિતાતુલ્ય શેઠને વિગતવાર વાત કરી, પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવી, પોતાના બંગલે જ લઈ આવ્યો. રજની અને રાકેશે પણ આ એકલવાયું જીવન જીવતાં શેઠને નાના ભાઈ સ્વરુપે પોતાના બંગલે હંમેશ માટે આવકાર આપ્યો. જાણે શેઠનું જીવતર પણ નવતર બની ગયું. ********** આજે શ્યામ રાધા અને બંસરી જોડે દરિયાકિનારે બેઠો હતો. શ્યામ અને રાધા જીવનના મધ્યાંતરને માણી રહ્યા હતા, ત્યારે આકાશમાં સૂરજ દૂર ક્ષિતિજે લાલાશ વેરી રહ્યો હતો. બંસરી એ દ્રશ્યને કેમેરામાં કેદ કરી રહી હતી. સમાપ્ત.~ વંદના પટેલ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)