દેશપ્રેમ ( ‘રાષ્ટ્રહિત સર્વોપરી‘ સ્પર્ધા અંતર્ગત ટોપ ટેનમાં સ્થાન પામેલ છે.)

29 ઓગસ્ટ 2022By Vandana Patel
દેશપ્રેમ ( ‘રાષ્ટ્રહિત સર્વોપરી‘ સ્પર્ધા અંતર્ગત ટોપ ટેનમાં સ્થાન પામેલ છે.) પ્રકૃતિના ખોળામાં એક નાનકડું ગામ. ઝરણાં પહાડોની વચ્ચેથી વહેતાં જોવા મળે, ઠંડી હવાનું ધીમું સંગીત સાંભળતા જ શરીરમાં એક અલગ જ રોમાંચ જાગે. અહીં હરિયાળી, વૃક્ષોની હારમાળા તથા ફૂલછોડની કયારીઓ આંખોને ઠંડક આપે ત્યારે, જાણે વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય એવું લાગે. આ ગામમાં વિનોદભાઈ પોતાના પરિવાર સાથે રહે છે.         એક દિવસ પત્ર આવ્યો કે વિનોદભાઈનો નાનો ભાઈ રુપેશ પરિવાર સાથે વિદેશથી આવે છે. વિનોદભાઈ તથા ઘરનાં બધાં ખુશ થઈ ગયા. વિનોદભાઈને સંતાનમાં બે દીકરી અને એક દીકરો. રુપેશભાઈને સંતાનમાં એક દીકરો. ****                      આજે રુપેશ વિદેશથી આવી પહોંચ્યો. વિનોદભાઈની પત્ની વીણા અને રુપેશભાઈની પત્ની રીમા એકબીજાના ખબરઅંતર પુછવા લાગી. વિનોદભાઈની મોટી દીકરી કિરણ બટેટાપૌંઆ અને નાની દીકરી તેજા ચા-બિસ્કીટ લઈને આવી. બંને બહેનોનો નાનો ભાઈ રથિલ રમકડું લઈને આવ્યો. રથિલ રુપેશકાકાના દીકરા આર્ય જોડે રમવા લાગ્યો. બધા એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.                કિરણે કાકાને પુછ્યું કે " કાકા, કાકા, આ બોક્સમાંશું છે?" કાકાએ હસીને બોકસમાંથી ટી.વી. બહાર કાઢ્યું. રૂપેશભાઈએ બધાને કહ્યું કે "આ ટીવી છે." "આ ટી.વી.માં સમાચાર જોવાથી અને સાંભળવાથી વિશ્વમાં શું થાય છે, એ જાણવા મળે છે." "તમે દુનિયાની સાથે રહી શકો છો, એ સિવાય મનોરંજન માટે હાસ્ય, પારિવારિક સામાજીક વગેરે સિરિયલો પણ આવતી હોય છે."                         બાળકો માટે પણ જુદા જુદા ઘણા પ્રોગ્રામ આવતા હોય છે. ટી.વી.માં ઓનલાઇન ક્લાસીસ પણ થઈ શકે. આ બધી વિસ્તૃત માહિતી રુપેશભાઈએ આપી, ત્યારે વિનોદભાઈના પરિવારમાં તો બધાને અચરજ જેવું લાગ્યું. કિરણ મોટી હોવાથી થોડી થોડી ખબર પડી. કિરણની મહત્વકાંક્ષા ખૂબ ઊંચી હતી. પોતાના સપના પુરા કરવા માટે ટીવી ખુબ ખુબ મદદરૂપ બનશે એવી ખાતરી થતા ખુશ થઈ ગઈ. કિરણની ઉંમર તેર વર્ષ એટલે કિશોરાવસ્થા ગણાય. આ ઉંમરે જોયેલી સ્વપ્ન પુરુ કરવા માટે એક અલગ જ જુસ્સો અને શક્તિ શરીરમાં દોડતી હોય છે. નસનસમાં એ સ્વપ્ન લોહી બનીને વહેતુ હોય છે. એક અલગ જ ઊર્જા રક્તસંચાર કરતી હોય છે.            વિનોદભાઈ ટી.વી.ના માધ્યમથી જાણ્યું કે અહીં રહેવાથી માત્ર પ્રકૃતિને માણી શકાય, પણ કંઈક શીખવા માટે, કંઈક મેળવવા માટે શહેર જ જવું પડે. વિનોદભાઈ બાળકોના અભ્યાસ માટે અને સોનેરી સપનાઓ માટે કલકત્તા રહેવા ચાલ્યા ગયા.***************દસ વર્ષ પછી.....વિનોદભાઈની મોટી દીકરી કિરણ દેશદાઝના પગલે જાસૂસ બની ગઈ હતી. કિરણને જાસુસી માટે બાંગ્લાદેશ મોકલવાનું નક્કી કરાયું હતું. આજે કિરણનાં લગ્નને એક વર્ષ થયું હતું. કિરણ પિયરમાં મમ્મી- પપ્પાને મળવા આવી હતી. વિનોદભાઈઅને વીણાએ દીકરી કિરણને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. આખરે મમ્મીએ કિરણને આતુરતાપૂર્વક પુછ્યુ કે "તું સાસરીમાં શું કહીશ? કિરણે વાત કરી કે "મારા પતિ કેયુરને ખબર છે." "કેયુર બધું સંભાળી લેશે." "હું પંદર દિવસમાં આવતી રહેવાની છું, એટલે આ સમાચાર જેટલાં ગુપ્ત રહે, એ જ સારું." "તમે લોકો પણ ધ્યાન રાખજો." "હું ક્યાં છું, એ કોઈને જાણ ન થાય, મારા નાના ભાઈ-બહેનને પણ નહીં."આટલું કહીને કિરણ ભાવભીની વિદાય લઈને નીકળી ગઈ. કિરણની લાખ ઈચ્છા છતાં કહી ન શકી કે તમે નાના-નાની બનવાના છો. ***********કિરણે જે આંસુનો બંધ બાંધી રાખ્યો હતો, એ ઘરે આવીને પતિનો ખભો ભીંજવી ગયો. જો પોતે ઢીલી પડે, તો મમ્મી-પપ્પા પણ હિંમત હારી જાય. કેયુર હિંમત બંધાવતો રહ્યો, પણ બંને જાણતા હતા કે પંદર દિવસ પછી અવાય તો અવાય. આ વિયોગ કેટલો લાંબો હશે એની કલ્પના પણ બંને કયાં કરી શકતા હતા! કિરણ કેયુરના આલિંગનમાં જકડાઈને, પતિનો મીઠો સ્પર્શ માણી રહી.પતિ પત્નીને આજે આ જુદાઈ આટલી કેમ અકળાવતી હતી! કિરણ આજથી પહેલાં ઘણીવાર દેશ માટે બહારના દેશોની સફરે જઈ ચુકી હતી. ઘણાં બધાં છુપા પુરસ્કાર અને શાબાશી મેળવી ચુકી હતી, તો આજે આ બેચેની, તરફડાટ શા માટે? કેયુરે કિરણના કપાળે ચુંબન કરતાં પોતાનો એક હાથ પત્નીની કમરમાં સરકાવ્યો, ને પોતાના કાનમાં પોતે પપ્પા બનવાનો છે, એ ખુશીનાં સમાચાર સાંભળતા જ એક પિતાનો હાથ કિરણના પેટ પર અટકી ગયો. એક જ મિનિટમાં ઉન્માદ જવાબદારીમાં ફેરવાઈ ગયો. કેયુરે ના પાડી કે "તું ન જા." " તું આવી પરિસ્થિતિમાં તારું ધ્યાન કેવી રીતે......અને ત્યાં જ કિરણના ગુપ્ત મોબાઈલમાં રીંગ વાગી. કિરણે કહ્યુ કે "છેલ્લી ઘડીએ કંઈ ફેરફાર ન થાય, એ તું જાણે છે." "તારે પણ સ્પેન જવાનું છે."બંને એકબીજાને શુભેચ્છાઓ સાથે છેલ્લું આલિંગન આપી છૂટા પડ્યા.***************બાંગ્લાદેશમાં........સાત વર્ષ અને સાત માસ પછી......એક અવાવરુ મકાનમાં મા-દિકરી બંધાયેલી હાલતમાં પડ્યા હતા. એક મોટી ઉંમરના આપા એ બંનેની રસોઈ અને ચોકીદારી કરતાં હતાં. એ લોકોએ કિરણને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. દીકરીને સુવડાવતાં સુવડાવતાં કિરણ ભૂતકાળમાં સરી પડી. મેં આ જ મકાનમાં દિકરીને જન્મ આપ્યો હતો. આ જ મકાનમાં એક લાદી નીચે બધું છુપાવીને રાખ્યું હતું. હું જ્યારે પકડાઈ ત્યારે મારા શરીર પરથી કંઈ મળ્યુ ન હતું, એટલે વધારે ગુસ્સે ભરાઈને મને નજરકેદ કરી લીધી. મેં ભાગવાની કોશિશ કરી, પરંતું પકડાઈ ગઈ. મારે હવે ગમે ત્યારે બાળકને જન્મ આપવો પડે એમ હોવાથી મેં શરણાગત સ્વીકારી લીધી. બંધુકધારી બળવાખોરે આપાની સગવડ કરી આપી હતી. હું આવી ત્યારે વાયરલેસથી ભારતમાં સંપર્ક કરતી હતી, પણ પકડાઈ ગઈ હોવાથી ભારત પાછી ફરી શકતી ન હતી. મારું અને મારી દીકરીનું ભવિષ્ય શું? મેં શરણાગતિ સ્વીકારવાનું નાટક કર્યુ, પણ નાટક કરતાં કરતાં આજે મારી દીકરી સાત વર્ષની થઈ ગઈ. કિરણને અત્યાર સુધીનો ત્રાસ યાદ આવતાં હચમચી ગઈ.આપા જમવાનું આપવા આવ્યા. આપાએ કહ્યુ કે " તું ગુનાની કબુલાત કરી લે, તો કદાચ તને તારા દેશમાં જવા મળે."કિરણે કહ્યુ કે "ના, મેં કોઈ ગુનો કર્યો જ નથી." "હું ફરવા જ આવી હતી." "મને જીવનભર જેલમાં નાખવા માટે જબરદસ્તીથી ગુનાની કબુલાત કરાવવામાં આવી રહી છે." કિરણનું રુદન આપાને સ્પર્શી ગયું. આપા એક મિનિટ માટે પણ કિરણને એકલી મુકતી ન હતી. આજે આટલા વર્ષે હવે એ દીકરીને લઈને કયાં જશે? એમ વિચારી પોતાની ઘરે ગયા. બંધુકધારી-બુકાનીધારી ચાર માણસો પણ આજે ગાયબ હતા. કિરણે આ ત્રીજીવાર ભાગવાનો પ્રયાસ કર્યો. પોતે બાંગ્લાદેશની નાગરિક છે, એવો પાસપોર્ટ લઈ દીકરીને એકલી સુતી મુકીને ભાગી. દીકરીને વ્હાલ કરવા જતાં જાગી જાય તો....કિરણ બે વરસથી ઘરની બહાર નીકળી ન હતી. એરપોર્ટ જવાનો રસ્તો કેમ કરી શોધવો? એ વિચાર કરતી હતી કે....ભૂતકાળની યાદ ઘેરી બની. ......હું દિકરીના જન્મ પહેલાં એરપોર્ટ પહોંચતાં-પહોંચતાં પકડાઈ ગઈ હતી. પંદર-સોળ કિ.મી. (બંને વખત) ચાલી હોઈશ. એક વખત તો રાત પડી ગઈ હોવાથી અજાણી શેરીમાં દીવાલની ઓથે રાત કાઢી નાખી હતી. ઉજાગરો અને સોળ કિમી. ચાલવાનો થાક....અને સાતમો મહિનો......અને પકડાઈ ગઈ. મને બીજીવાર ભાગવામાં (દિકરીના જન્મ પછી) કોઈ ચાચાએ મદદ કરી હતી. હું ભારતનો પાસપોર્ટ તો બતાવી ન શકું, નહીં તો અહીં ખબર પડી જાય કે હું કયા દેશની નાગરિક છું, એટલે એ ચાચાએ અહીંનો પાસપોર્ટ બનાવવામાં મદદ કરી હતી. હું બીજીવાર ત્યારે પકડાઈ ગઈ કે જયારે એરપોર્ટ નજર સામે હતું. કોઈ બાળકને સ્ફૂર્તિથી બચાવ્યું, એટલે તરત જ ત્યાંના કમાન્ડો ઢસડીને આ મકાનમાં પાછી નજરકેદમાં ....કિરણ ભૂતકાળમાંથી બહાર આવી, જાગૃત થઈ ગઈ. આપા આવે એ પહેલાં ભાગી છૂટી. કિરણના મગજમાં જે નકશો એરપોર્ટ જવાનો હતો, એ રસ્તે ચાલીને જવાની બદલે છુટક રીક્ષા અને બસનો ઉપયોગ કર્યો, જેથી કોઈને શંકા ન જાય. પહેલી બે વખત પૈસા ન હતાં, પણ આ વખતે આપાજાનનું પર્સ કામ આવ્યું. કિરણે એરપોર્ટ પહોંચતા જ તાત્કાલિક ટિકિટ લીધી, બોર્ડિંગ પાસ, સીક્યુરીટી ચેકિંગ પતાવી ઈમીગ્રેશન પણ પતાવી દીધું. કિરણે બુરખો પહેરેલો હોવાથી કોઈને શંકા ન ગઈ.કિરણ સીટ પર બેઠી બેઠી પ્લેનની રાહ જોતી હતી. આપા રોજ પોતાનું પર્સ ગોખલામાં રાખતી હતી. કિરણ કયારેક કયારેક એક બે નોટની ચોરી કરી લેતી હતી. આટલા વરસે ટિકિટ જેટલા રુપિયા થઈ ગયા હતા. અને આજે તો એમનું પર્સ પણ સાથે જ હતું.હવે કોઈ ચેકિંગ બાકી ન હતા. કિરણને માત્ર આ છેલ્લું જે પાસપોર્ટ જોઈને પ્લેનમાં બેસવા જવા માટેનો રસ્તો બતાવે, એ જ ઓફિસરની નજરમાંથી બચીને પ્લેનમાં પોતાની સીટ લેવાની હતી. એ સમય પણ આવી ગયો. ઓફિસરને પાસપોર્ટ આપતી વખતે કિરણનું ધ્યાન પર્સમાં કંઈક સરખું કરવામાં હતું. ઓફિસરમોટેથી નામ બોલ્યા, તસ્લીમ...અને કિરણ સતર્ક થઈ ગઈ.એક નાનકડી ભૂલનું પરિણામ ભયાનક સ્થિતિમાં ફેરવાઈને કમકમાટીભર્યુ આવી શકે એમ હતું. ઓફિસરે ફરીથી તસ્લીમ કહ્યુ અને કિરણે તરત જ "યસ સર" કહી દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસથી ઓફિસરની આંખોમાં જોયું. ઓફિસરને આ યુવતીના અવાજના રણકા અને આંખોની ચમક પર શંકા ગઈ કે ઈઝ શી ઈન્ડિયન? ઓફિસર માત્ર શંકાને આધારે કંઈ બોલી ન શક્યો. કિરણ આગળ વધી ગઈ. તેણી પ્લેનમાં સીટ પર બેઠી, પાણી પીધું. પ્લેન ભારત આવવા મુક્ત ગગનમાં વિહાર કરવા લાગ્યું.              કિરણે આંખો બંધ કરી સીટના ટેકે સુઈ જવાનો ડોળ કર્યો, પણ અશ્રુધારા બુરખાને પલાળતી રહી. આપા મારી દીકરીને દુઃખી નહીં કરે, એવા વિશ્વાસથી કિરણ પોતાની દીકરીને ત્યાં છોડીને આવી હતી. કિરણ સ્વગત બબડી કે મારી વ્હાલી દીકરી, તારો પાસપોર્ટ તૈયાર થતાં જ હું તને લેવા આવીશ. ***************કિરણ દીકરીને સુતી મૂકીને આવી ત્યારે...આ વખતે લાદી નીચે સંતાડેલ સામાનમાંથી વાયરલેસ એક્ટિવ કરી ભારતની જાસૂસ વિભાગ અને ક્રાઈમ બ્રાંચમાં સંદેશો વહેતો મુકી દીધો. કિરણે પોતાના સામાનમાંથી એક નવી ચીપ દીકરીના ફ્રોકમાં લગાવી અંદરના પડમાં સીવી લીધી હતી. બધો સામાન પાછો ભંગાર જેવો બનાવી દાટી દીધો હતો.************કલકત્તા એરપોર્ટ....કિરણનું સ્વાગત કરવા માટે જાસૂસ વિભાગના તમામ કર્મચારીઓ આવ્યા હતા. બધાંએ ફૂલોથી સ્વાગત કર્યુ. કિરણ સાસુ સસરા, પતિ કેયુર, મમ્મી-પપ્પા અને ભાઈ બહેનને જોતાવેંત જ રડી પડી. તેણી બધાને વારાફરતી ભેટી પડી. પતિ કેયુરે આંખોથી જ બાળક વિશે પુછ્યું. કિરણે બધાને સંબોધતા કહ્યુ કે સૌ પ્રથમ મારી દીકરીને ત્યાંથી લાવવાની તૈયારી શરુ કરી દો. હવે મુંઝવણ એ હતી કે હજી દીકરીનું નામ.....કેયુરે કહ્યુ કે તારી તમામ તકલીફોની એકમાત્ર સાક્ષી આપણી દીકરી છે. હું દીકરીને સાક્ષી નામ આપું છું. કિરણને પણ સાક્ષી નામ ગમ્યું. ********જાસૂસ કિરણે ઉપરી અધિકારીને રિપોર્ટ કર્યો. ભારતમાં ઘુસણખોરી, બાળકોના અપહરણ, ત્યાં બાળકો પાસે કામ કેવી રીતે, ક્યાં, શા માટે કરાવવું તથા મતદાન વખતે જનસંખ્યામાં આકસ્મિક વધારો વગેરેનો અહેવાલ રજુ કર્યો.           બંને સરકારે વાટાઘાટો કરી હતી. ત્યાંની સરકાર સાક્ષીને સોંપવા તૈયાર થઈ ગઈ હતી. સાક્ષીનો પાસપોર્ટ બનતાં તરત જ ચાર ઓફિસર બાંગલાદેશ જવા નીકળી ગયા.( કિરણે સમયસૂચકતા વાપરી આપાના ફોનથી સાક્ષીનો ફોટોગ્રાફ ભારત જાસૂસખાતામાં મોકલી આપ્યો હતો, જેથી પાસપોર્ટ બની જાય.)************          આપા સાક્ષીને સોંપતા રડી પડ્યા. બધા વળતી ફ્લાઇટમાં પાછા આવ્યા. જે ઓફિસરને તસ્લીમ નામની યુવતી પર શંકા ગઈ હતી, એ આજે હસીને સાક્ષીને આવજો કહેતો હતો. સાક્ષી મમ્મી કિરણની આંગળી પકડીને ચાલતી હતી. હા, એ ચાર ઓફિસરમાં એક ઓફિસર જાસૂસ કિરણ હતી.ભારત આવતાં ઓફિસર કિરણને બહાદૂરીનો પુરસ્કાર, સુવર્ણચંદ્રક તથા પ્રમાણપત્ર એનાયત કરાયા.જય હિન્દ. ઓફિસર કિરણની હિંમત, સાહસ અને બહાદુરીને સો-સો સલામ. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!