ગૂંચ ( ભૂલભૂલૈયા સ્પર્ધા- ટોપ 30 માં વિજેતા)
એક દિવસ રાજ પોતાના ફાર્મ હાઉસે ઘોડાની માવજત કરી રહ્યો હતો. રાજે ઘોડાને સરસ નવડાવીને તૈયાર કરી દીધો. ઘોડા પર પલાણ નાખ્યું, ગળામાં સરસ પટ્ટો નાખ્યો. ઘોડાના માથે સરસ મોળિયા જેવું પહેરાવી દીધું. થોડીવારમાં જ રાજના દોસ્તો- કરણ, સમીર અને દેવ આવી પહોંચ્યા. રાજ ઘોડાને ચણા ખવડાવવામાં વ્યસ્ત હોય છે, થોડો-થોડો ગોળ પણ ભેળવતો જાય છે. કરણ: આ બધા કામ માટે રઘુકાકા છે ને! તું શા માટે કરે છે?રાજ: અરે! તમે બધા આવી ગયા! ખૂબ ખૂબ મજા કરીશું. અંદર આવી જાઓ. કરણ: તે મારી વાતનો જવાબ ન દીધો?રાજ: અરે યાર, શું જવાબ આપું? આ માત્ર ઘોડો નથી, મારો દોસ્ત પણ છે. કરણને ગમતું નથી કે રાજ એક કામવાળાની જેમ ઘોડાની સંભાળ રાખે છે.દેવ રાજને કહે છે કે "તારી વાત સાચી છે, ઘણાં લોકો પોપટ, બિલાડી કૂતરો વગેરે પાળે છે, તે ઘોડો પાળ્યો છે." "તારે એની કાળજી તો લેવી જ પડે."સમીર પણ દેવની વાતમાં પોતાનો સૂર પુરાવે છે, કરણને લાગે છે કે પોતે એકલો થઈ ગયો. કરણને ઉદાસ જોઈ રાજ હસતાં હસતાં કહે છે કે "આજ સે જો કરન બોલેગા અપુન વહી જ કરેગા."ને આ ટપોરી જેવું હિન્દી સાંભળીને બધા મિત્રો ખડખડાટ હસી પડે છે. રઘુકાકા બધા મિત્રોને ગરમાગરમ નાસ્તો પીરસે છે. રાજ કહે છે કે "મેં ઘોડાને તૈયાર ન કર્યો હોત તો આ ગરમાગરમ નાસ્તો પણ ન બન્યો હોત." કરણ (માથું ખંજવાળતા) કહે છે કે "આ નાસ્તો તો ઠીક છે, પણ યાર ચા વગર...." ત્યાં તો રઘુકાકા ચા અને કોફી લઈને આવે છે. બધા મિત્રો બટેટાપૌંઆ અને બ્રેડ બટરને ચા- કોફી સાથે ન્યાય આપે છે.રઘુકાકા ખૂબ ખુશ થઈ જાય છે કે ચાલો, કંઈક વસ્તી જેવું લાગશે, પણ આ બધાં છોકરાઓ સાંજે ચાલ્યા જશે, એ વિચારથી ઉદાસ થઈ જાય છે. રાજ રઘુકાકાને ઉદાસ જોઈને કહે છે કે "કાકા કંઈ ન વિચારો, બસ આજના દિવસને માણો." ************ બધાં મિત્રો વારાફરતી ઘોડેસવારી કરે છે, જેવો કરણ બીજીવાર ઘોડેસવારી કરવા જાય છે કે ઘોડો કરણને નીચે પછાડી દે છે. પહેલીવાર ઘોડો અનુભવી રહ્યો હતો કે આ કરણ કોણ છે? ઘોડાને જેવો અણસાર આવી ગયો કે તરત નાકથી ફૂંક મારવા લાગ્યો. રાજે ઘોડાની પીઠ થપથપાવી, પરંતુ તે આજે શાંત થવાનું નામ લેતો ન હતો. આંખોમાંથી અગનગોળા વરસાવતો કરણની પાછળ દોડયો. સમીર અને દેવ અચબિંત હતાં કે આ શું થઈ રહ્યું છે?રાજે પણ આ પહેલાં કયારેય ઘોડાની આંખોમાં આટલી લાલાશ કે ક્રોધ જોયો ન હતો. રાજ એક અદ્ભુત ઘોડેસવાર હોવા સાથે માલિક પણ હતો, એટલે ઘોડાને કાબુમાં લઈ લે છે. કરણને બચાવવા જતા રાજને હાથે પગે થોડું છોલાય છે. સમીર અંદર રુમમાં જઈ પ્રાથમિક સારવારની પેટી શોધે છે. દેવ પણ રાજ માટે હળદરવાળું દૂધ લેવા રસોડામાં જાય છે. કરણ રાજને સોફામાં બેસાડીને કહે છે કે "યાર, તારા ફાર્મ હાઉસનો બંગલો જોવા જેવો છે." "પેલાં બંને ખોવાઈ ન જાય તો સારું." રાજ હસતાં હસતાં કહે છે કે "હા, આઠ રુમ છે." કરણની આંખો આ સાંભળતા જ પહોળી થઈ જાય છે. દેવ હુંફાળુ દૂધ રાજને આપે છે. સમીર ઉદાસ ચહેરે રાજને મલમપટ્ટી કરી દે છે. દેવ સમીરને કહે છે કે શું આમ ચહેરો લટકાવીને બેઠો છે, થોડીવાર પછી પાર્ટી....ત્યાં તો રઘુકાકા બિચારા હાંફળા-ફાંફળા થતા દોડયે આવતા હતા, રાજે કાકાને શાંતિથી બેસાડ્યા, અને કહ્યુ કે" કાકા, કોઈને કંઈ નથી થયું." કાકા ગુસ્સામાં ચિંતિત થઈને બોલ્યા કે "રાજબાબા, આ તમને લાગ્યું, એનું શું?" રાજે કહ્યુ કે "હું ઠીક છું." રઘુકાકાએ કહ્યુ કે "બધા શાંતિથી જમી લો, પછી આરામ કરો." બધા એકસાથે ખડખડાટ હસી પડ્યા. રાજે કહ્યુ કે "અરે ! અમે અહીં આરામ કરવા થોડા આવ્યા છીએ." "અમે આખા ફાર્મ હાઉસમાં ચક્કર લગાવવા જશું." દેવ અંતાક્ષરી અને ક્રિકેટ રમવાનું કહે છે. કાકા સારુ સારુ કહીને રસોડા તરફ આગળ વધે છે. બધા મિત્રો જમ્યા પછી હાસ્યના હિંચકે ધડબડાટી બોલાવે છે. સમીરને ઉપરના રુમમાં જોયેલી ફોટો યાદ આવી જતા વચ્ચે વચ્ચે ઉદાસ થઈ જાય છે. રાજની તિક્ષ્ણ નજર નોંધે છે, પણ કંઈ પુછતો નથી. બધા મિત્રો ક્રિકેટ રમીને થાક્યા હોવાથી એકસાથે સ્વીમીંગ પુલમાં ધુબાકા મારીને પડે છે. બધા મિત્રો અંતાક્ષરીની મોજ માણતાં માણતાં અને પાણી સાથે ધીંગામસ્તી કરતાં કરતાં એકબીજાની ફીરકી લેતા હોય છે. કહેવાય છે ને કે સુખનો સમય બુલેટ ટ્રેનની જેમ ભાગે, અને દુઃખનો દિવસ ગોકળગાયની ગતિએ ચાલતો હોય છે. આ બધી મોજમજામાં સાંજના પાંચ કયારે વાગી ગયા, એ ખબર જ ન પડી. રઘુકાકા ચા-કોફી અને સુકો નાસ્તો લાવ્યા, એટલે બધા મિત્રો ફટાફટ બાથરોબ પહેરીને ચા નાસ્તા પર તુટી પડ્યા. રઘુકાકા અંદર જઈ ખમણ ઢોકળા લાવ્યા. દેવે તો એકસાથે બે ઢોકળા ઉપાડી લીધા. કરણે જોયુ એટલે તરત બોલ્યો કે "એલા, એય બાપની ઘરે જોયા નથી કે શું?" બાજુમાં જ ઘોડો બાંધેલો હતો.ઘોડો આ સાંભળીને ભડક્યો, અહીં આવવા માટે ધમપછાડા કરવા લાગ્યો. રાજ એની હણહણાટી પરથી ઓળખી ગયો કે ઘોડો પાછો ક્રોધે ભરાયો છે. રાજે ઈશારાથી કરણને ચૂપ રહેવા સમજાવ્યો. રઘુકાકાના કહેવાથી બધા ફાર્મ હાઉસની અંદર જતા રહ્યા. સમીર રાજને ઉપર લઈ ગયો, અને પુછ્યુ કે "આ તારા દાદા જોડે કોણ છે?" રાજે કહ્યુ કે " એ દાદાના મિત્ર કરણસિંહ છે."સમીર કહે છે કે "રાજ, આ કરણ દાદા કરણસિંહ જેવો કેમ દેખાય છે, અને આ ઘોડો કરણ કે કરણના અવાજને ઓળખીનેઆટલા ધમપછાડા કેમ કરે છે? હજી તો બંને વાતો કરતા હોય છે કે દેવ અને કરણ પણ આવી જાય છે. કરણ ફોટા સામે એકધારું જોયા રાખે છે. બધા મિત્રો કંઈક સમજવાની કોશિશ કરે છે, પણ ઘોડાની હણહણાટી પાછી ચાલુ થઈ જાય છે. આ વખતે એમાં દર્દની ચીસો ભળવાથી રાજ ઘોડાર તરફ ભાગે છે. કરણ અને સમીર નીચે આવી જાય છે, પણ દેવ એ રુમની અંદરથી જ બીજા રૂમમાં જાય છે, એ રુમની રવેશમાં હજી આવ્યો જ હોય છે કે એનું ધ્યાન ઘોડાર તરફ જાય છે. ઘોડો વેદનાથી તડપે છે. દેવ રાજને ઘોડાના પગે કચકચાવીને પાટો બાંધતો જુએ છે. રાજને અંદર આવતો જોઈને દેવ પણ નીચે આવવા આગળ વધે છે. જે રુમમાંથી આવ્યો એ તરફ ન જતાં મુખ્ય દ્વારથી નીકળીને નીચે આવે છે. બધા મિત્રો પોતપોતાની ઘરે જવાની વાત કરે છે. સોનેરી સાંજની આભા આકાશે રંગોળી બનાવતી નજરે પડે છે. બીજે દિવસે કરણની લંડનની ટિકિટ હોવાથી નીકળવું અનિવાર્ય બની જાય છે. રાજની સંમતિથી ત્રણેય મિત્રો નિકળી જાય છે. રાજ સવારે સીધો એરપોર્ટ આવશે, એવું નક્કી કરીને ચારેય મિત્રો એકબીજાને ભેટીને છુટા પડ્યા. રાજ પશુડોક્ટર સાથે ફોનમાં વાત કરતો હોય છે કે ઘોડાની મરણતોલ ચીસ...***** આ બાજુ ત્રણેય પોતાની ગાડીમાં આગળ વધતા હોય છે કે ત્રણેય મિત્રોએ એક કિલોમીટર દૂરથી પણ ઘોડાની ચીસ સાંભળી. દેવ અને સમીર ફાર્મ હાઉસ પાછા જવાનુ કહે છે, પણ કરણની ઈચ્છા ન હતી. કરણના મનમાં ઘોડાનો ડર હતો, સાથે ગાડી પણ પોતે જ ચલાવતો હોવાથી હાશ, બચી ગયાના ભાવથી કારની સ્પીડ વધારી. કરણે અચાનક જ બ્રેક મારી. દેવ અને સમીર ખુશ થયા કે કરણ રાજ પાસે જવા માટે રાજી... બંને ખુશીમાં આભાર માનવા જાય છે કે આગળ બેઠેલો દેવ ચોંકી જાય છે. ગાડીની આગળ એકભૂત દેખાય છે. સમીર પાછલી સીટમાં એકલો બેઠો હોય છે.એ ભૂતના લાંબા નખ અને દાંત જોઈ ત્રણેય ડરવા લાગ્યા હતા. એ ભૂતના ગળા પર ચાંભા અને મોંમા એક બાજુના દાંત બહાર લટકતા દેખાયા હતા. કરણ તો પૂતળું બની ગયો હતો. કરણ ઘોડાથી ડરેલો હતો, ત્યાં તો આ ભૂતે અચાનક આવીને છક્કા છોડાવી દીધા. એ ભૂત કરણ તરફ જ આગળ વધતું હતું. ભૂતે જેવું કરણનું ગળું પકડ્યું કે ભૂત હવામાં ફંગોળાયું. ત્રણમાંથી કોઈ કંઈ સમજે એ પહેલાં કરણે એકસીલેટર પર પૂરી તાકાતથી પગ મુક્યો, અને ગાડી આગળ વધી ગઈ.દેવ: બાપ રે! આ સપનું હતું કે શું?સમીર : કરણ સારુ થયું, કે તે ગાડી ચલાવી લીધી.કરણ: આ શું માંડ્યું છે? મારી પાછળ કોઈ હાથ ધોઈને પડ્યું છે.દેવ : કેમ? તને એવું કેમ લાગ્યું? કરણ : આ જો ને, પહેલાં ઘોડો અને હવે આ ભૂત, નક્કી કંઈક છે, કે આપણે બચી ગયા. સમીરની નજર પાછળની સીટમાંથી અંદરના અરીસા પર પડે છે, કરણના ગળામાં હનુમાનજીના લોકેટ લટકતું નજરે પડે છે, અને ગાડીની પાછળના કાચમાં જુએ છે, તો પાછળ ભૂત દેખાય છે. કરણ: તમે બંને કેમ કંઈ બોલતા નથી?સમીર: તારા ગળામાં હનુમાનજીનું લોકેટ છે, એણે તારી રક્ષા કરી, તું ગાડી ચલાવવાનું ચાલુ જ રાખજે, ભુત પાછળ દેખાય છે. દેવ : અરે! આ લોકેટ તો કરણ સ્વીમીંગ પુલમાં કાઢવાનું કહેતો હતો! કરણ: હા યાર, મમ્મીએ પહેરવાનું કહ્યુ હતું, મને એમ થયુ કે તમે ત્રણેય મારી મજાક ઉડાડશો તો...એમ વિચારીને કાઢવાનું કહેતો હતો.સમીર: તારા મમ્મીની શ્રધ્ધા જીતી ગઈ.ત્રણેયે પોતપોતાની ઘરે પહોંચીને શાંતિથી શ્વાસ લીધો. *********** બીજે દિવસે એરપોર્ટ પર ચારેય મિત્રો મળે છે. કરણને આવજો કહી ત્રણેય મિત્રો બહાર આવી ચાની કેબિને બેસે છે. રાજ દેવ અને સમીરને કહે છે કે મારો દોસ્ત ઘોડો ઈશ્વરના શરણે ગયો. ત્રણેય મિત્રોએ ચા પીતા-પીતા વાત કરી. સમીરે દિલાસો આપતા પુછ્યુ કે "ઘોડાને શું થયું?" દેવે પુછ્યુ કે "તું પાટો કેમ બાંધતો હતો?" રાજે કહ્યુ કે "સાપના કરડવાથી ઘોડો મૃત્યુ પામ્યો." દેવે કહ્યુ કે "અમે ઘોડાની ચીસ સાંભળી હતી."પછી સમીરે ભૂતની વાત કરી. રાજને આશ્ચર્ય થયું. રઘુકાકા પણ કંઈક આવું જ કહેતા હતા, બદલો...પુનર્જન્મ...આત્માની શાંતિ...મોક્ષ.. રાજને વિચારોમાં ખોવાયેલો જોઈને દેવ કહે છે કે "અત્યારે જઈએ, પછી મળીશું." રાજ કહે છે કે "હું અહીં શહેરમાં જ છું." "હું ફાર્મ હાઉસ નહીં જાઉં, હવે મારુ મન ત્યાં ઘોડા વગર નહીં લાગે."ત્રણેય મિત્રો છુટા પડ્યા. ************આ બાજુ લંડનમાં પાંચ વરસ પછી... કરણ આરામથી જીંદગી જીવે છે. ઘણીવાર ચારેય મિત્રો ફોનમાં વાત કરી લેતા હોય છે. એક દિવસ રુહાને કરણને કહ્યુ કે "ચાલ દોસ્ત, હોર્સ રેસ જોવા જઈએ." કરણ ચમક્યો. રુહાન સામે જોયું , અને વિચાર્યુ કે અહીં એ ઘોડાની વાત કોઈ નહીં માને, અને જો નહીં જાઉં તો...રુહાને કરણને ધબ્બો મારતાં કહ્યુ કે "ચાલ, ને હવે."કરણે હા પાડી. કરણ અને રુહાન ઘોડાની રેસ જોવા માટે આગળથી બીજી હરોળમાં બેઠાં હોય છે. આઠ ઘોડા વારાફરતી ત્યાંથી પસાર થાય છે. એક..બે..ત્રણ...એમ ઘોડા રેસ ચાલુ થાય છે. બધા પોતાના લગાવેલા પૈસા જીતવા માટે તલપાપડ હોય છે. સ્પર્ધા પુરી થતા રુહાન કરણને હાથ પકડીને સ્ટેડિયમની બહાર લઈ જાય છે. રુહાન વિજેતા ઘોડાની પીઠ થપથપાવવા ઈચ્છતો હતો. રુહાન અને કરણ સ્ટેડિયમના પાછળના મેદાનમાં ઘોડા ફરતા હતા, ત્યાં ગયા. વિજેતા ઘોડાની પાસે અનેક માણસો ઊભા હતા. કોઈને ફોટા પાડવા હતા, કોઈને સેલ્ફી લેવી હતી. રુહાને ઘોડાની પીઠ થપથપાવી. ઘોડાએ ગરદન નીચી કરીને હલાવી. કરણ ઘોડાની પીઠ પર હાથ ફેરવે છે, ત્યાં જ ઘોડો સ્પર્શ ઓળખી જાય છે. ઘોડાએ ડોક ઘુમાવી. ઘોડાની એ જ ક્રોધ અને લાલાશભરી આંખો જોઈને કરણ બે ડગલાં પાછળ હટી જાય છે. કરણને રાજના ફાર્મ હાઉસનો ઘોડો યાદ આવી જાય છે. કરણ કંઈ સમજે એ પહેલાં ઘોડો હણહણે છે. ખુંખાર બનેલા ઘોડાએ લાત મારી કરણને નીચે પછાડી દીધો. કરણ ઊભો થવા જાય, એ પહેલાં જ ઘોડો એની છાતી પર પગ મૂકી દે છે. કરણનું પ્રાણપંખેરુ ઉડી જાય છે. રુહાન કંઈ સમજી શકતો નથી. રુહાન તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવી લે છે. આ ઘટનાના સાક્ષી ઘણાં લોકો હોવાથી પોલીસ એક અકસ્માત દર્શાવી કેસ બંધ કરે છે. ડોક્ટર કરણને મૃત જાહેર કરે છે.********** ત્રણેય મિત્રોને સમાચાર મળતાં જ રઘુકાકાને મળવા જાય છે.રઘુકાકાને બધી વાત કરી, તો રઘુકાકાએ આ મુજબ વાત કરી. રાજબાબા, તમારા દાદાની હત્યા કરણસિંહે આ ફાર્મ હાઉસ પચાવી પાડવા માટે કરી હતી. એ પછી, તેઓ વિદેશ જતા રહ્યા. આ ફાર્મ હાઉસ તમારા દાદાની મનગમતી જગ્યા છે, મારી ઉંમરનો અનુભવ અને તમારા દાદાનો સ્વભાવ- બંને પરથી લાગતું કે આ ઘોડારુપે તમારા દાદા જ પાછા આવ્યા છે. કરણસિંહ આ ફાર્મ હાઉસ પોતાના નામે કરાવવા માગતા હતા, પણ તમારા નામે હોવાથી એ કંઈ કરી શક્યા નહીં. તમારા પિતાજી તમારી સાથે વિદેશમાં હતા, ત્યારે કરણસિંહ અવસાન પામ્યા. કરણસિંહનો બીજો જન્મ કરણરુપે થયો, એ તો હું કરણને જોઈને જ ઓળખી ગયો હતો. ઘોડો પણ પોતાના હત્યારાને ઓળખી ગયો હતો. તમે એ દિવસે તમારા મિત્રને બચાવી લીધો, અને એ જ સાંજે સાપ કરડવાથી ઘોડો મૃત્યુ પામ્યો. કરણની લંડન જવાની વાત ઘોડારુપે દાદાએ સાંભળી હતી, એટલે ઘોડાના મર્યા પછી તરત આત્મારૂપે કરણની હત્યા કરવાની કોશિશ કરી, પણ હનુમાનજીના લોકેટે કરણને ત્યાં પણ બચાવી લીધો. તમારા દાદાએ પાંચ વરસ પછી લંડનમાં પોતાનો બદલો લઈ લીધો. સૌએ પોતપોતાના કર્મો મુજબ ઋણાનુબંધ ચુકવવા જ પડે છે. રાજને આ જીંદગીની ભૂલભલૈયા જ લાગી. કર્મોની આંટીઘૂંટી સમજવાની કોશિશ કરી, તો સાચે ઈશ્વર જ બધો હિસાબ રાખીને વિશ્વ ચલાવતા હોય એવું અનુભવે છે. રાજ પોતાના દાદા અને મિત્રના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. સમીર અને દેવના હાથ આપોઆપ પ્રાર્થના માટે જોડાઈ જાય છે.સમાપ્ત....~વંદના પટેલ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)