સ્વર્ગસ્થ મંજુલાબેન રીંડાણીને પત્ર (પત્રમ્ સ્પર્ધા ઓક્ટોબર ૨૦૨૧)

11 ઓકટોબર 2021By Vandana Patel
સ્વર્ગસ્થ મંજુલાબેન રીંડાણીને પત્ર (પત્રમ્ સ્પર્ધા ઓક્ટોબર ૨૦૨૧) મંજુલાબેન રીંડાણી ને અમે સૌ માળીબેનથી જ ઓળખતા.માળીબેન જ સાચુ નામ લાગે....સરનામું : મારા હ્રદય થી ઢુંકડા વૈકુંઠવાસી માળીબેનતારીખ: રોજ નજર સામે તમારો ચહેરોવિષયઃ વૈકુંઠવાસી માળીબેનની ચીઠ્ઠી મને સ્વપ્ન સ્વરૂપે મારા આદરણીય શિક્ષક ,               સ્વર્ગમાં શું વાંધો હોય ખરુ ને ? હું પણ તમને ડગલે ને પગલે ખુબ ખુબ યાદ કરતી મજામાં છું. મને ખબર છે તમને ત્યાં નહી ગમતું હોય એકલું એકલું. પણ શું થાય ? આપણે ધારીએ છીએ એવું કશું થતુ નથી. અહીં ધરતી પર પણ તમે એકલા જ હશો , એવું અનુમાન કરું છું. તમને થશે કે મારી કોઈ જ માહિતી આની પાસે છે નહી ને કોણ લખે છે મને પત્ર.તમને યાદ ઘણાં વરસોથી કરતી હતી અને આજે પ્રતિલિપિએ સ્વર્ગ માં કોઈને પત્ર લખવાનું કહ્યુ તો હું તમને જ પત્ર લખવા બેસી ગઈ.             તમે મને આટલા વરસે કદાચ ન ઓળખો .હું તમારી પાસે બીજા ધોરણમાં ભણતી હતી. તમે અમારા વર્ગશિક્ષક હતા. ત્યારે પિરિયડ પધ્ધતિ ન હતી. એટલે અમને જેટલી અમારી મા ઓળખે એના કરતા વધારે તમે ઓળખો. લેશન ન કર્યુ હોય ,બીમાર હોય, ક્યારે ખોટું બોલીએ, ખોટું બોલીને પાણી પીવા જાય, બધું જ તમારી અનુભવી પારખી નજર પકડી લેતી. મને ગુજરાતી બહુ ગમે. પણ એનાથી વધારે તમારો ચહેરો વાંચવો મને ખૂબ ખૂબ ગમતો. ક્યારેક તો હું તમારી સામે એટલું જોઈ રહેતી કે તમે હળવી ટપલી માથામાં મારીને કહેતા શું વિચારે છે ? હું કંઈ નહી, એમ કહીને ગુજરાતી વાંચવા મંડી પડતી. તો તમે ઘણીવાર કહેતા કે આ એક ને જ ખોળામાં રાખે છે તો દફતરમાં બીજા પુસ્તક રડે છે . હું અબુધ તરત દફતરમાં ડોકુ કાઢીને જોઈ લેતી. હવે યાદ આવી ગઈ ને હું? હા આવી જ ગઈ. સાત વરસની ઉંમર મારીગુજરાતી મારી મને અતિ પ્યારીમાળીબેન મારા મને સૌથી વ્હાલાં.                    અમે સૌ તમને માળીબેનથી જ બોલાવતા ને ઓળખતા. એકવાર મૌખિક પરીક્ષામાં હું તમારી બાજુમાં ઊભીને કવિતા બોલતી' તી. બોલવામાં સ્પીડ વધારે એટલે અડધી બોલાઈ ગઈ તોય પાઠયપુસ્તકમાં એ પેજ મળે નહી. એટલે હું થોડીવાર ઊભી રહી કે તમને પેજ મળી જાય પછી બોલું. તો તરત તમે કહ્યુ હતુ કે ભૂલી ગઈ? માર્ક કપાય જશે. મેં કહ્યુ કે તમે પેજ ......મને બોલવા ન દીધું કવિતા બોલાવી .હું બોલીને મારી જગ્યાએ બેઠી પછી મારા મગજમાં ચમકારો થયો કે આટલા વરસમાં તો બેન તમને તો કવિતા કંઠસ્થ જ હોય ને!!              પછી મને તો માર્કસ નું જ ટેન્શન .એટલે ઘરે જતા પહેલા પુછી જ ગઈ તમને મારા માર્કસ. તમે હસતા .હસતા કહ્યુ હતુ કે ભારે ઉતાવળી. મેં વચ્ચે જ કહી દીધુ હા હુ તો ઉતાવળી જ છું.બોલવામાં એટલે કવિતા બોલવામાં વધારે પડતી ઝડપના જ માર્કસ કપાઈ જાય એવું બને. તો તમે કહ્યુ કે કાલ સુધી રાહ ન જોઈ શકે? મેં ધડ દઈને ના પાડી દીધી હતી. કેવું લાગ્યુ હશે તમને ? આજે તમે મને ખૂબ ખૂબ યાદ આવો છો. મૌખિક અને લેખિત એમ બંનેના સો માંથી નવ્વાણું માર્કસ હતા. મેં એક માર્ક નું પુછયુ તુ . તમે કહ્યુ કે પુરા ન અપાય ભાષા છે ને એટલે .....            ખરેખર તમારી જોડે જેટલી વાત કરતી એટલી હદે કોઈ શિક્ષક જોડે વાત નથી કરી શકી. મારી કુતુહલતાને તમે સમજતા. પ્રેમ થી સમજાવતા. નિર્દોષતામાં થયેલી ભૂલોને તમે માફ પણ કરી હશે..તમારું સ્મરણ એકાંતમા હું કરુ છું. સાતમા ધોરણ પછી મારી શાળા અને શહેર બંને બદલી ગયા હતા. હા, જુની સહેલીઓ જોડે તમને ખુબ ખુબ યાદ કરીએ છીએ.                તમે સફેદ સાડી ગુજરાતી પહેરતા. માથે ઓઢતાં..કોઈ કોઈ છોકરીઓ વાતો કરતી કે તમારે વાળ નથી એટલે માથે ઓઢો છો. મને જરાય ન ગમતું .વાળ ન હોય એવું થોડું બને.!! મને ખૂબ આશ્ચર્ય થતુ. ત્યારે બીમારીની કલ્પના તો ન હોય ને ! ઉંમર જ એવી હતી શું પુછીએ. ! તમારી ઊંચાઈ કદાચ ચાર ફૂટ હશે. મને હજી યાદ છે એક પર્સ ખભે હંમેશા હોય જ.                    તમે વધારે એટલે યાદ આવો છો કે અચાનક   અણધાર્યા અમને છોડીને તમે અનંતયાત્રાની વાટ પકડી લીધી હતી. અમને એટલો આઘાત લાગ્યો હતો તો તમારા સહ કાર્યકર બહેનો પર તો આભ જ તુટી પડયું હશે ને?તમે નહી માનો, તમે તો શું કોઈ નહી માને કે તમે જે દિવસે આ પાર્થિવ દેહ છોડ્યો તે જ દિવસે મને તમારું સપનું આવ્યુંહતું. રાત્રે જોયેલ સપનુ સવારે યાદ ન હોય અને સાચું પણ ન હોય . પરંતુ ન બનવાનું બની ગયું. અને સપનું જીવનભરનું દુઃખદ સંભારણું બની ગયુ. સવારે સાડાસાતની પ્રાર્થનામાં અમે બેઠા હતા. અમારી સામે શિક્ષકો લાઈનમાં બેઠા હતા.મને સપનું આવ્યુ 'તુ એટલે મારી નજર તમને જ શોધતી હતી.હું ખૂબ જ બેચેન હતી. ક્યાંયથી પણ તમારા સમાચાર મેળવવા હતા. મારી બાજુમાં બેઠેલ છોકરીને પુછયુ તો તે રાજી થઈ કે તમે આજનો દિવસ ગેરહાજર છો,આજે ભણવું નહી પડે. ત્યારે પિરિયડ પદ્ધતિ ન હતી એટલે પુરો સમય વિરામ જેવું મળી જાય. બીજા શિક્ષક અવેજીમાં આવે .પણ આ શું .....તમે અમને કાયમ માટે અવેજી શિક્ષકના ભરોસે છોડીને ચાલ્યા ગયા!!!!તમારી ઉણપ ખૂબ વર્તાય છે.આટલાં વરસોમાં ઘણાં શિક્ષકો પાસે ભણી. પરંતુ બાળમાનસ ને ઉકેલવાની ચાવી તમારી પાસે જ હતી.એ ચાવી કોઈ ને આપવી હોય તો પણ ન અપાય..                 એ ચાવીરુપી આંગળીઓ ના ટેરવાનો સ્પર્શ હું ક્યારેય નહીં ભૂલી શકું. અક્ષર સુધારવા હોય કે લખવાની ઝડપ વધારવી હોય, તમારું માર્ગદર્શન કાયમ જ પ્રેરણાદાયી રહ્યુ છે.               મને જે રાત્રે સપનું આવ્યું ને બીજે જ દિવસે તમે ગેરહાજર હતા. રોજ તમે અમારી હાજરી પુરતા ને અચાનક ઈશ્વરે તમારી હાજરી સ્વર્ગમાં પૂરી. એ સપનામાં તમે ન કહી શક્યા કે ત્યારે હું સમજી ન શકી. તો તમે પાછા સપનામાં આવી મને જરુરથી સંકેત આપજો. મેં મને આવેલ સપનું કોઈ ને કહ્યુ નથી.આજે તમને કહું છું. મેં સપનામાં જોયુ કે તમે મોટા જહાજમાં બેસી પરદેશ જાવ છો. હું પુછતી રહી કે ક્યારે આવશો? ત્યાં તો જહાજ દૂર નીકળી ગયું. શાળામાં આવી તો ખબર પડી કે જહાજ દરિયામાં ઊંધુ પડી ગયું, ને નીંદર ઉડી ગઈ. શાળાની બદલે હું હજી પથારીમાં જ હતી. એટલે આશા જીવંત ને મન મજબૂત રાખ્યું કે શાળાએ જઈને માળીબેનને જોઈ લઉ. સપનું થોડું સાચું હોય!!           શાળાની પ્રાર્થનામાં તમે ગેરહાજર. મારો તો ચહેરો જ ઉદાસ, પડી ગયેલ . જ્યારે પ્રાર્થના પુરી થઈ ને જાહેરાત થઈ કે મંજુલાબેન રીંડાણીના આકસ્મિક દુઃખદ અવસાનથી આપણને સૌને ન પૂરી શકાય એવી ખોટ અને કળ ન વળી શકે એવો ફટકો પડ્યો છે, માટે સૌ બે મિનિટ નું મૌન પાળશે. આ સાંભળતા જ મારી આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો . મૌન તુટયા પછી પણ હું અંદરથી તૂટેલ જ હતી.તમને કદાચ હ્રદયનો હુમલો આવ્યો હતો. મને સાચી વાતની જાણ જરુર કરજો. તમારુ અચાનક મૃત્યુ મને અંદરથી હલાવી ગયું. એ મને જે રાત્રે આવેલ સપનું ને તે જ રાત્રે તમારુ આખરી પ્રયાણ. કેવી રીતે શક્ય છે?                તમારી છેલ્લી ચિઠ્ઠી કહો કે તમારો છેલ્લો પત્ર   એ તમે મને આ સ્વપ્ન રુપે આપેલ છે. જે મારા હ્રદયના બારણાં પર ટકોરા મારી અંદર પ્રવેશી ઊંડે જઈ તળિયે સાચું મોતી બનીને અંતરમનની છીપમાં બંધ એકદમ સુરક્ષિત છે.        આજે મારું સ્વપ્ન તમારી સમક્ષ ખુલ્લું  મુક્યું છે.તો તમે ઉકેલ જરુરથી આપશો, જરુરથી તમારા મૃત્યુ નું રહસ્ય જણાવશો. એવી આશા સાથે, તમને ક્યારેય ન ભૂલનારી, શિક્ષક દિવસે અચુક યાદ કરનારીતમારી મૃદુભાષા ને કોમળ સ્પર્શસદાય અંતરમનમાં સંઘરનારી.તમારી પ્રિય વિદ્યાર્થીની,વંદના ના પાયલાગણ સ્વીકારજો. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!