માનનીય મણીબહેનને પત્ર(પત્રમ્ સ્પર્ધા -ઓકટોબર ૨૦૨૧.ટોપ ૫૦માં સ્થાન પામેલ પત્ર)
કાયમી સરનામુ - સ્વર્ગ રસ્તો- પિતૃસેવા સમાજસેવા દેશસેવા તારીખ- તમારા સંસ્મરણોની ઝલકવિષય- તમારી સ્મૃતિઓ વાગોળવી તેમજ તમારા જીવનમાંથી પ્રેરણા લેવી.મારા આદરણીય, પ્રેરણાસ્ત્રોત મણીબહેન, તમે ખુબ ખુબ સંતુષ્ટ હશો. તમે જે રસ્તે પ્રયાણ કર્યુ છે તે ખરેખર જ વખાણવાલાયક છે. તમારો રસ્તો પિતૃસેવા, સમાજસેવા અને દેશસેવા જ રહ્યો હતો. તમે એ રસ્તે આખરી પ્રયાણ કરી સ્વર્ગમાં તમારા પિતાજીને મળ્યા હશો.તમારા પિતાજી એટલે અમારા લોકલાડીલા, સ્વાતંત્ર્યસેનાની, નાયબ વડાપ્રધાન, ગૃહમંત્રી, લોહપુરુષ એવા 'સરદાર' નું ઉપનામ ધરાવતા વલ્લભભાઈ પટેલ. તમારો જન્મ ઈ.સ. ઓગણીસો ત્રણમાં ત્રણ એપ્રિલના રોજ ભારત દેશમાં ગુજરાત રાજ્યનાં કરમસદ ગામમાં થયો હતો. તમારા માતા ઝવેરબેન અને પિતા સરદાર વલ્લભભાઈ પટેલ. તમે છ વર્ષના થયા ત્યારે તમારા માતાનું અવસાન થયું. તમે મુંબઈ સ્થિત ઇંગ્લીશ માધ્યમ શાળા ક્વીન મેરી હાઈસ્કુલમાં અભ્યાસ કરી અમદાવાદ આવ્યા. તમે ઓગણીસો વીસમાં મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયા. ત્યારબાદ તમે તમારા બાપુ વલ્લભભાઈની સેવા અને મદદમાં લાગી ગયા. તમે તમારા પિતાને ક્યારેય તમારા માતાની ખોટ વર્તાવા ન દીધી. તમે આજીવન લગ્ન ન કર્યા. તમારી પિતૃભક્તિને અમે બહેનો દિકરીઓ આજે પણ યાદ કરીએ છીએ. તમે તમારા પિતાજીના સેવક અને સેક્રેટરીની બેવડીભૂમિકામાં સતત હાજર રહ્યા. તમે ઈ.સ.ઓગણીસો ત્રેવીસ - ચોવીસથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા. સરદારની સેવામાં ગુજરાત બોરસદ મુવમેન્ટમાં સ્ત્રીઓના પ્રેરણાસ્ત્રોત બન્યા. ભારે કર વસુલાત, જમીન, પશુ, મિલ્કત વગેરે સરકાર જપ્ત કરી લેતી હતી, તેના વિરોધમાં સ્ત્રીઓને આ ચળવળમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી. તમે ઈ.સ.ઓગણીસો અઠ્ઠાવીસમાં સરદારના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહમાં જોડાયા. ચાર દીવાલોમાં રહેનાર સ્ત્રીઓને ખેડુત પર વધારે પડતા કર વિશે સમજાવ્યું અને બારડોલી સત્યાગ્રહમાં આવવા માટે સ્ત્રીઓને પ્રેરણા આપી, આશ્ચર્યજનક ઘટના કે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે જોવા મળી. સરદાર તમારા આ પ્રયાસથી ખુબ ખુશ થયા.ત્યાર બાદ ઈ.સ.ઓગણીસો ત્રીસમાં ગાંધીજીના નેતૃત્વમાંનમક સત્યાગ્રહ કરવામાં આવ્યો. દાંડીકુચમાં તમારું યોગદાન અમુલ્ય રહ્યુ. તમે ઈ.સ.ઓગણીસો બેતાલીસ-'હિન્દ છોડો'આંદોલનમાં ગાંધીજી અને સરદારને ખુબ સહકાર આપ્યો. આ વખતે તમારે મહારાષ્ટ્રના યરવડા જેલમાં જવું પડયું હતું. તમે ઈ.સ.ઓગણીસો છત્રીસથી પંદર ડીસેમ્બર ઓગણીસો પચાસ એટલે કે 'સરદાર'ના મૃત્યુ સુધી ડાયરી લખી હતી. તમારા પિતાજીની ઐતિહાસિક અને ભાવનાત્મક સમસ્યાઓ કે જેના વિશે કોઈ મિત્ર કે કાર્યકર્તા જોડે વાત કરી નથી. તે બધી વાતો એમાં લખેલી હતી. તમારા પિતાજીએ અનુભવેલ પરેશાની, ચિંતા સંકટ અને સમસ્યાઓના તમે એકમાત્ર અગંત સાક્ષી હતા. તમે અને તમારા પિતાજી ખાદીથી બનેલાં જ કપડાં પહેરતા. તમે હંમેશા ત્રીજી શ્રેણીના ડબ્બામાં જ મુસાફરી કરવાનો આગ્રહ રાખતા. ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાનની દીકરી, ભારતની દીકરી તરીકે થીગડાંવાળી સાડી પહેરવામાં ક્યારેય સંકોચ ન રાખતા. તમારા પિતાજીના મૃત્યુ પછી તમને વારસામાં લોખંડના બે-ત્રણ ટ્રન્ક, થોડાં કપડાં અને બસો સાડત્રીસ રુપિયા મળ્યા હતા. તમારું સાદું જીવન મારા માટે પ્રેરણાત્મક છે. અત્યારે તો દેખાદેખી એટલી વધી છે કે ન પૂછો વાત. આઝાદી પછી પણ તમે દેશસેવામાં કાર્યરત રહ્યા. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ઈ.સ.ઓગણીસો બાવન થી ઓગણીસો સતાવન પહેલી લોકસભાના સભ્ય રહ્યા. તમારો મતવિસ્તાર સાઉથકેરા મુંબઈ હતો. બીજીવાર ઓગણીસો સતાવનથી ઓગણીસો ચોસઠ સુધી લોકસભાના સભ્ય રહ્યા.ઈ.સ.ઓગણીસો ચોસઠથી ઓગણીસો સીતેર સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. ઘણું બધુ બદલાઈ ગયું, પણ તમે ન.બદલાયા. તમે કોગ્રેસ આઈ (ઇંદિરા ગાંધીના નેતૃત્વ મા) છોડી, કોગ્રેસ ઓ (મોરારજી દેસાઈ) સાથે જોડાયા. ઈ.સ. ઓગણીસો પંચોતેરમાં અનુચ્છેદ ત્રણસો બાવનના અનુસંધાને તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરી હતી. તમે એનો વિરોધ કર્યો. પણ તમારે જેલમાં જવું પડયું. લોખંડી સરદારના પુત્રી હિંમત કેવી રીતે હારે? તમે ઈ.સ. ઓગણીસો સીતોતેરમાં જનતા પાર્ટીથી ટિકિટ લઈ મહેસાણા લોકસભામાં ચૂંટાયા. તમે અનેક ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટ સાથે તમારું જોડાણ અદભૂત રહ્યુ. હવે તમારી ઉંમર થઈ ગઈ હતી. દેશસેવા સિવાય ક્યાંય મન ન લગાડ્યું. પોતાના અંગત સુખનો વિચાર ક્યારેય ન કર્યો. સ્ત્રીઓ ચાર દિવાલની બહાર ન નીકળે ત્યારે લગ્ન ન કરવાનો નિર્ણય એ જ તમારી મક્કમતા બતાવે છે. ઈંગ્લિશમાં ભણવું અને સાદું જીવન જીવવું એ ખરેખર પ્રેરણાદાયી છે. પિતાની આવી સેવા (દેશ સેવા સાથે) કોઈ દીકરીએ નહી કરી હોય. તમે સમાજસેવામાં એટલા રત કે છેલ્લે સુધી પોતાના અગંત વાહનની બદલે રીક્ષાનો ઉપયોગ કર્યો. ચશ્મા અને સાડી પણ જુના જ વાપર્યા. તમે સ્ત્રીઓ માટે ખુબ ખુબ પ્રેરણાત્મક જીવન જીવ્યા. તમે આઝાદીની ચળવળમાં ગુજરાતની સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તમે કોઈ ફરિયાદ વગર ઈ.સ.ઓગણીસો નેવુમાં પોતાના પિતાનો ખુબ મોટો વારસો સાથે લઈને સ્વર્ગે સંચર્યા. એક સ્ત્રી તરીકે દેશની મહાન દીકરી (નારી)ને મારા શત શત નમસ્કાર. લી. તમારી પૌત્રી સમાન ગુજરાતથી , ગુજરાતની જ, વંદના પટેલ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)