મહારાજા દિગ્વિજયસિંહજીને પત્ર. (પત્રમ્ સ્પર્ધા ઓક્ટોબર ૨૦૨૧)
એકવાર હું મારા પરિવાર જોડે ચાલીને જતી હતી.ત્યાં જ સામેથી નનામીના દર્શન થયા.અમે બધાએ પ્રણામ કર્યા. મારા મમ્મીનું કહેવું છે કે નનામી મળે તો કયારેય સામેથી ન જવું. જ્યાં હોઈએ ત્યાં જ ઊભા રહી એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી. નનામીને રસ્તો આપી માન આપવું. મારી ઉંમર ત્યારે આઠ-દસ વરસની હશે. ત્યારે બધાં ચાલીને સ્મશાન જતા. નાનપણમાં મળેલા સંસ્કારને કારણે આજે 'અંતિમ રથ' ની ધૂન હે રામ! સંભળાય તો ઘરમાં પણ ઊભી રહી જાઉં ને પ્રાર્થના કરું. બધા જતા રહ્યા પછી અમે પણ રસ્તાને પેલે પાર ગયા. હું ઉતાવળી એટલે રસ્તાની પેલે પાર ભાઈની રાહ જોઈને ઊભી હતી. તે આવ્યો એટલે મસ્તીમાં આગળ ચાલ્યા, ત્યાં તો પવનના લીધે પગમાં કંઈક અટવાયું. નીચે નમી કાગળ લીધો.ચાર ઘડીના આંકા ચોખ્ખા દેખાતા હતા. કાગળની બે ઘડી મને ખોલવા માટે ઉશ્કેરે એ પહેલાં જ પપ્પાનો અવાજ સંભળાયો કે પગ ઉપાડો. અમે ફટાફટ ચાલ્યા. ઘરે આવીને જીવ તો કાગળમાં જ હતો. શાંતિથી લઈને બેઠી કે મમ્મીએ ગૃહકાર્ય કરવાનું કહ્યુ. મેં ગૃહકાર્ય પતાવ્યું. પછી પેલો કાગળ ખોલ્યો. મેં વાંચ્યો તો વિચારતી જ રહી ગઈ કે કોઈ આટલી હદે કેવી રીતે આભાર માની શકે! મેં મમ્મી પપ્પાને પત્ર વંચાવ્યો. તેઓને લાગ્યું કે આજે પહેલીવાર રસ્તા પરથી લીધેલી વસ્તુ કામની હતી. મને સાચવીને રાખવાનું કહ્યું. એક સામાન્ય માણસે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીને પત્ર લખ્યો હતો. દિગ્વિજયસિંહજીનું જામનગર, મારી જન્મભૂમિ એટલે અદમ્ય ખેંચાણ સ્વાભાવિક રીતે જ વધારે, તરત જ તમને પત્ર લખવા બેસી ગઈ. તમે મારે મન ખુબ જ આદરણીય છો. તમારો પ્રતાપ વિલાસ મહેલ, લાખોટા તળાવ જોવાલાયક સ્થળો છે. લાખોટા તળાવ એટલે રણમલ તળાવ. યાયાવર પંખીઓનું આશ્રયસ્થાન. જામનગરને છોટા કાશીની ઉપમા મળી છે. અત્યારે અખંડ રામધૂન, ભીડભંજન મહાદેવ, બાલાચડી, ખીજડીયા પક્ષીનું અભયારણ્ય વગેરે પ્રખ્યાત છે. એંસી-નેવુના દાયકામાં મુક્તિધામ (સ્મશાનભૂમિ) આકર્ષણનું કેન્દ્ર હતી. ત્યાંનું સંસાર ચક્ર, ગોરા કુંભાર જેવી અનેક મૂર્તિઓ મારા અંતરપટ પર આજે પણ કંડારેલી છે. આજે સ્વર્ગસ્થને પત્ર મરતી વ્યકિતએ લખવાનો છે તો એ પત્રનું વિસ્મરણ કેમ થાય? મને રસ્તા પરથી મળેલ પત્ર આજે હું રજુ કરું છું.કાયમી સરનામું : સ્વર્ગ રસ્તો : ખુબ ખુબ વાંકોચૂકો ને પથરાળતારીખ: તમારો ચહેરો જોવા મળે તે દિવસનીવિષય : આભાર માનવા માટે આદરણીય એવા મારા અન્નદાતા, તમે ત્યાં કુશળ-મંગલ હશો. હું તમને યાદ કરતો, હર દિવસ, હર રાત, હરઘડી, હરપળ તમારો આભાર માનતો તમારી કૃપાથી મારા પરિવાર સાથે આનંદમાં છું. મારો અંત સમય ખુબ પાસે છે. તમને કોણ નથી ઓળખતું? તમે વિશ્વયુદ્ધ-૨ સમયે પોલેન્ડના સ્ત્રીઓ તથા બાળકોને આશ્રય આપેલો. ત્યારે હું આઠ- નવ વરસનો હતો. ઈ.સ.ઓગણીસો ઓગણચાલીસમાં યુધ્ધના નગારાં વાગ્યા હતા. તમને અંગ્રેજ સરકારે ના પાડી કે તમે રાજ્યનાં ખજાનામાંથી ખર્ચ કરીને વિદેશી પ્રજાને ન રાખી શકો. તમે પણ કહી દીધું હતું કે આ પોલેન્ડના સ્ત્રીઓ અને બાળકોને આશરો તો મળશે જ. રાજકોષનો એક પૈસો નહીં વાપરું. અંગ્રેજોની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. એક મહીનાથી ખાધા પીધા વગરનાં બાળકોની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. હાડપિંજર જેવા બાળકોને તમે ખોરાક દવા શિક્ષણ વગેરે પૂરા પાડ્યા હતા. તમે ઉનાળામાં રહેવા જતા એ ભવન ખાલી કરીને ત્યાં બાલાચડી સૈનિક શાળાની સ્થાપના આ બાળકો માટે કરી. તેઓના ધર્મ માટે કેથેલિક પાદરીની વ્યવસ્થા કરાવી હતી. તેમજ તેઓના તહેવારની ઊજવણી પણ કરાવતા હતા. રક્ષણ સાથે શિક્ષણ અદ્ભૂત સમન્વય રચાયો હતો. તેઓને એક સમયે આશ્રયના ફાંફા હતા, તુર્કી અને ઈરાનમાં આશરો આપવાની ના પાડી દીધા પછી તેઓનું જહાજ ભારત મુંબઈ ખાતે આવ્યું હતું. તુર્કી બંદરે ખાવા-પીવાની વસ્તુઓ આપી હતી. પરંતુ તમે કરેલ કાર્ય માટે હિંમત, સાહસ, નીડરતા અને અડગ નિશ્ચય સાથે નિર્ણયશક્તિ જોઈએ. તમારા કાર્યોની અને માનવતાની નોંધ વિશ્વે લીધી હતી. અંગ્રેજોને આ વાત કણાંની જેમ ખૂંચતી હતી. તમને આ વાતની ગંધ આવી જતા તમે એવા દસ્તાવેજ તૈયાર કરાવ્યા કે તમે આ બાળકો દત્તક લીધા છે, જેથી અંગ્રેજ સરકાર કંઈ વિઘ્ન ઊભા ન કરી શકે. તમે આપેલ પ્રેમ અને કાળજીની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પોલેન્ડવાસીઓએ ત્યાં જઈને બનાવી અને આજે પણ જુએ છે. નવ વર્ષ પછી તેઓ પોતાના દેશમાં ગયા. રેલ્વે સ્ટેશન તમે મુકવા ગયા હતા ત્યારે બાળકો તમને મુકતા ન હતા. સુખદ પણ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.જામનગર ત્યારે નવાનગર તરીકે ઓળખાતું. ગુજરાતનું પેરિસ એટલે જામનગર. મારા દાદા તમારા મહેલમાં કામ કરતા હતા. મારા પિતાજીએ મને કહેલું કે તમે અમારા અન્નદાતા છો. તમારી મદદ સમયસર ન મળી હોત તો અમારે કુવો પૂરવાનો વારો આવત. તમે જ અમારા મા-બાપ ને તમે જ અમારા રખેવાળ હતા. મારા પિતાજીને તમારા પર ખુબ ખુબ વિશ્વાસ અને ઈશ્વર જેટલી જ આસ્થા તમારામાં ધરાવતા. હું તમારું ઋણ ઉતારી તો નહી શકું, પણ કૃતાર્થ ભાવ જરુર વ્યક્ત કરી શકું. તમારી ખરા સમયે કરેલી મદદહું કે મારો પરિવાર ક્યારેય નહી મુલવી શકીએ. એ મદદ અમુલ્ય હતી.રુપિયા ચુકવીને ઉપકાર ઉતરી જાય પણ એ સમય, એ કપરો સમય જે તમે સાચવ્યો હતો, એ ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ. તમારો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે.તમે અત્યારે સ્વર્ગમાં છો. તમારા માનવતાના કાર્યની સુગંધ ત્યાં પણ પ્રસરેલી જ હશે. ભગવાને તમને મઘમઘતું ફૂલ, સાચો હીરો અને મૂલ્યવાન મોતી ગણી પોતાની પાસે જ રાખ્યા હશે. મારા દાદાજી અને પિતાજી ત્યાં જ છે, તમે બધા જરુરથી મળ્યા હશો. મારા પિતાજીએ પણ આવી રીતે તમને પત્ર લખીને આભારની લાગણી વ્યક્ત કરી હતી. હવે હું આ આભારની લાગણી પત્રમાં લખીને અહીં અટકું છું. મારા પુત્રને આપતો જાઉં છું. જેથી એને અહંકાર ન આવે કે મને કોઈની જરુર નથી. હા બાપુ, જરુર તો શેરીની ચપટી ધૂળની પણ પડે. અત્યારે આર્થિક તંગી નથી, તો તમારી જેમ કોઈને મદદરૂપ થવાની ભાવના કેળવાય એ હેતુથી આ પત્ર સાચવી રાખે એ જરુરી છે. હું જલ્દી આવુ છું. આપણે બહુ થોડા સમયગાળામાં જ મળીશું. જરુર મળીશું. મારા અન્નદાતાને મારા પ્રણામ. લી. તમારી ભુતપૂર્વ પ્રજામાંથી તમારો સ્વામીભક્ત સેવક, એક સામાન્ય નાગરિકના જય માતાજી. મારી આંખો આજે પણ ભીની થઈ જાય છે કે એક પિતા, જે રાજાનો આભાર માનતાં -માનતાં પોતાના દીકરાને અહંનું પડ ન ચડે અને એનામાં બીજાને મદદરૂપ થવાની સારી ભાવના કેળવાય એ હેતુથી પત્ર લખીને પ્રયત્નશીલ રહ્યા. એમના દીકરાના ખિસ્સામાંથી પત્ર કદાચ તે દિવસે સરકી ગયો હશે, જે દિવસે અમે નનામીના દર્શન કરેલ. એ પત્ર સંજોગોવશાત મને મળી ગયો હતો.રાજાજીનું અવસાન ઈ.સ. ઓગણીસો છાસઠમાં થયું હતું. આ પત્ર લખનાર વ્યક્તિનું અવસાન લગભગ ઓગણીસો છયાસીમાં થયું હતું. ભલે રાજાશાહી ત્યારે ન હતી, પણ આએક પિતાનું હ્રદય ગુણથી ભરેલું હતું, જે આભાર માનતું હતું. બાલાચડીથી અભ્યાસ કરેલ બાળકોમાંથી એક બાળક સમય જતાં પોલેન્ડના રાષ્ટ્રપતિ બને છે. તે બાળક શપથવિધિમાં જામસાહેબને યાદ કરી આભાર માને છે.પોલેન્ડમાં રાષ્ટ્રપતિની શપથવિધિમાં જામસાહેબ સાહેબનું નામ આજે પણ લેવાય છે. આભારની લાગણી રુપે તેમના વંશજો દર વર્ષે જામનગરની મુલાકાત પણ લે છે. મારા શત શત નમસ્કાર આ વ્યક્તિને, એક પિતાને, અનેસાદર પ્રણામ દિગ્વિજયસિંહજીને, જામનગરના ગૌરવને.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)