યાદોનો ખજાનો -૮ - એ રાત (પત્રમ્ સ્પર્ધા- ડિસેમ્બર ૨૦૨૧)
માનસીનો નાનો ભાઈ ભોલુ દરિયાકિનારે દોસ્તો સાથે બેઠો છે. અવનીદીદી માનસીદીદી પાસે ગઈ હોવાથી ભોલુ એકલો પડી જાય છે. એટલે ફરવા નીકળી પડે છે. ભોલુ જતો હતો ત્યાં જ મમ્મીએ પત્ર આપ્યો કે લે, દીદીનો પત્ર આવ્યો છે. ભોલુ પત્ર ખિસ્સામાં નાખી નીકળી પડે છે. આમ તો પત્ર વંચાય એવું લાગતું નથી, પણ દોસ્તોને જાણવાની ઈચ્છા હતી એટલે ભોલુએ પત્ર વાંચવાનું ચાલુ કર્યું. 'માનસીનો ભાઈ ભોલુ ને પત્ર'કાયમી સરનામું મુંબઈ,રસ્તો :- પોસ્ટઓફિસ,તારીખ :- તું વાંચે ત્યારની જ. વિષય:- 'એ રાત' - શ્રીકૃષ્ણ અને ગોપીઓના મહારાસની જાણકારી આપવા માટે.મારો વ્હાલો ભાઈ ભોલુ, કેમ છો તો આનંદમા ને? અવની અહીં આવી એટલે તારું મન નહીં લાગતું હોય ખરું ને? અમે પણ તને યાદ કરતા ખુશી મજામાં છીએ. અવની અહીં હોવાથી મારે કામ બાબત થોડી નિરાંત છે. ત્યાં મમ્મીને એકલે હાથે કરવું પડતું હશે. તું થોડી મદદ કરજે હો. ભોલુ, તને આજે હું કંઈ શિખામણ નહીં આપું. થોડી બચાવીને રાખવી પડશે ને! ત્યાં રુબરુ આવીને આપવા માટે. એ મારો જન્મસિદ્ધ અધિકાર છે હો. આપણાં મમ્મી ભાગવત વાંચે છે. તેમાં મહારાસનું સરસ વર્ણન છે. હું તને અહીં મારી ભાષામાં થોડી જાણકારી આપીશ. શ્રીમદ ભાગવતમાં દ્વાદશ એટલે કે બાર સ્કંધ છે. તેમાંથી દશમાં સ્કંધમાં આ રાતનું વર્ણન કરવામાં આવ્યું છે. દશમો સ્કંધ એટલે શ્રીકૃષ્ણ ભગવાનનું હ્રદય. આ દશમાં સ્કંધના અધ્યાય નંબર ઓગણત્રીસ થી તેત્રીસ એ પંચપ્રાણ છે. જેમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેનો સંબંધ જીવ અને શિવના મિલનનું પ્રતિક છે. આ દિવ્ય ચરિત્ર રાસલીલા તરીકે ઓળખાય છે. કહેવાય છે કે ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાન જેવા પતિ મેળવવા માટે કાત્યાયની માતાનું વ્રત કર્યું હતું. શ્રીકૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈ વચન આપ્યું હતું કે એક દિવસ હું તમારી જોડે રાસ રમવા આવીશ. ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું વચન પાળ્યું. શરદપૂનમે ગુલાબી ઠંડીની શરુઆતમાં વાંસળીના સુર રેલાવ્યા. વાંસળીનો સુર રેલાતા જ ગોપીઓ શ્રીકૃષ્ણ ભગવાનનું આમંત્રણ સમજી ગઈ. સર્વ ગોપીઓ ઉતાવળમાં કંઈ ને કંઈ ભૂલી. કોઈ ગોપીએ ચુલે આંધણ ઉકળતા મેલ્યા તો કોઈ ગોપીનું દૂધ ઉભરાયું, કોઈ ગોપીએ આંખનું કાજલ ગાલે ઘસ્યું, કોઈએ અવળાં વસ્ત્ર પહેર્યા. કોઈએ એક જ ઝાંઝર પહેર્યું. જેમ બને એમ ઝડપથી પહોંચવા રઘવાટમાં બધી ગોપીઓ દોડી. બાલુડાં રડતા મેલ્યા ને ઘરબાર છોડીને શ્રીકૃષ્ણ પાસે દોડી આવી. શ્રીકૃષ્ણ ભગવાન સૌનું સ્વાગત કરતા બોલ્યા કે સ્વાગતમ્ હે મહાભાગા. એનો અર્થ થાય છે -હે મહા ભાગ્યશાળી ગોપીઓ આટલી રાત્રીએ મને મળવા આવી, તમારું સ્વાગત છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓની પરીક્ષા કરતાં કહ્યું કે તમે ઘરે પતિ બાળકો છોડીને રાતના સમયે મને મળવા આવી છો. તમારે ઘરે જવું જોઈએ. પતિની સેવા અને બાળકો પ્રત્યેની ફરજ એ પરમ સ્ત્રીધર્મ છોડીને તમે બધી ગોપીઓ આવી છો તો મારી આજ્ઞા છે કે તમે બધી ગોપીઓ ઘરે પાછી જાઓ. ગોપીઓ તો મુંજાય છે. બધી ગોપીઓ સાથે મળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિનવે છે કે હે પ્રભુ! તમે અંતર્યામી છો. અમે સંસારના સર્વ વિષયનો ત્યાગ કરી તમારા શરણે આવ્યા છીએ. તમે સર્વજ્ઞ છો. તમે અમારી ઈચ્છા પૂરી કરો. શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થઈને મધુર વાર્તાલાપ કરવા લાગ્યા. કોઈ ગોપી વાંસળીનો સ્પર્શ કરે છે તો કોઈ ચરણસ્પર્શ કરે, કોઈ વળી વાંકડિયા વાળમાં હાથ ફેરવે છે તો કોઈ પીતાંબરને સ્પર્શે છે. ગોપીઓને અહંકાર આવે છે કે અમારા જેવું સુખી કોઈ નથી. ત્યાં તો ભગવાન અદ્રશ્ય થઈ જાય છે. આનો અર્થ એ થાય કે ક્ષણભરનો અહંકાર પણ પ્રભુને પસંદ નથી ને આપણે અહંકારના મોટા પોટલા લઈને ફરીએ છીએ. અહંકારનો ત્યાગ કરો એ સુખી થવાનું પહેલું પગથિયું છે. જેમ રામ સીતાને શોધે, નળરાજાથી છૂટી પડેલ દમયંતી નળરાજાને શોધે એમ આકુળ વ્યાકુળ થઈ સર્વ ગોપીઓ શોધે છે. હે કાના! કાલિયનાગનો ચરણ સ્પર્શથી ઉધ્ધાર કર્યૉ, એવી રીતે અમને તમારા ચરણસ્પર્શ કરવા દઈ અમારો ઉધ્ધાર કરો. અમે ઘર-બાર છોડીને તમારા શરણે આવ્યા છીએ. આંખ મટકું મારે એટલો વિયોગ પણ હવે સહન નહીં થાય. ચેતન વિનાની ગોપીઓ વચ્ચે શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા. ગોપીઓના ખરા હ્રદયની વિનવણીથી ભગવાને કહ્યુ કે હું તમારી વચ્ચે જ હતો પણ તમે સૌ ભૌતિક ચક્ષુથી મને જોઈ ન શકયા. હવે હું તમારી સાથે રાસ રમીશ. સર્વ ગોપીઓને આશ્ચર્ય થાય છે કે શ્રીકૃષ્ણ એક ને અમે અનેક. કેવી રીતે શક્ય બનશે? શ્રીકૃષ્ણ ભગવાને યોગમાયાના પ્રભાવથી બે ગોપીઓની વચ્ચે એક કાનો એમ સ્વરૂપ પ્રગટ કર્યા. સર્વ ગોપીઓને રાસલીલાનો આનંદ કરાવ્યો. ગોળ મંડલાકારમાં અદભૂત રાસ રચાયો. શ્રી કૃષ્ણે કોઈ ગોપીને ચરણથી તો કોઈ ગોપીને હાથ વડે તાલ યોજવા માંડ્યો. એક એક કાન ને એક એક ગોપી. બધા દેવતાઓ રાસ જોવા આવ્યા. બધા દેવતાઓએ શ્રીકૃષ્ણ અને ગોપીઓ પર પુષ્પવૃષિટ કરી. ગંધર્વોએ વાંજિત્રો વગાડ્યા. એ સાથે નુપુર ઝાંઝર નો અવાજ ચારે લોકમાં ગુંજવા લાગ્યો. એ રાત ખુબ ખુબ અદભૂત જામી. જાણે જીવનું શિવથી મિલન. એ રાત યોગમાયાના પ્રભાવથી ત્યાં જ રોકાઈગઈ. નાનું બાળક પડછાયાં સાથે રમતું હોય એવું દ્રશ્ય દેખાતું હતું. ગ્રહ, નક્ષત્ર, તારામંડળ,અને આકાશ મંડળ સ્થિર થઈ ગયા. એ રાતની સવાર જ ન પડી. યોગમાયાના પ્રભાવથી એ રાત છ મહિનાની બની ગઈ. આ અદભૂત રાસનું મહત્વ શુકદેવજીએ પરીક્ષિતને સમજાવતા કહ્યું કે શ્રીકૃષ્ણ સ્વયં યોગેશ્વર છે. તેમનો અવતાર અધર્મના નાશ માટે, ધર્મની સ્થાપના માટે અને ભક્તોના રક્ષણ માટે જ છે. એમાં સંશય કરવો નહીં. શુકદેવજીએ કહ્યુ કે આ રાસલીલાનું વર્ણન સાંભળવાથી કે વાંચવાથી હ્રદયમાંથી કામવાસના દૂર થશે. આમ છ મહીના પછી રાસોત્સવ પૂર્ણ થયો. આવી અનોખી રાત ક્યારેય કોઈએ જોઈ ન હોય. આપણે બધાએ વાંચી -સાંભળીને જ આનંદ ભક્તિ કરવાની રહે છે. તું મમ્મી-પપ્પાને આ પત્ર વંચાવજે. તારી ઉંમર મુજબ અને ઉત્કંઠા મુજબ તને વિસ્તારથી જવાબ આપી રહી છું. યાદ છે તને? તે પુછયુ હતુ કે દીદી, શરદપૂનમની રાત આટલી ખાસ કેમ? તેનું શું મહત્વ? આજે તને જવાબ મળી ગયો હશે. એ રાત વિશિષ્ટ શા માટે છે? બરાબર ને? ચાલ, હવે હું લખાણને અટકાવું છું. તને તો ખબર છે ને એકવાર લખવાનું ચાલુ કરું એટલે પાછળથી કોઈએ આવીને કલમ પકડવી પડે. આ જો તારા જીજુ અને અવની મને ઊભી કરીને જ જંપશે. મમ્મી-પપ્પાને અમારા બધાની યાદ અને જય શ્રીકૃષ્ણ કહેજે. અહીંથી અવની અને તારા જીજુ યાદી લખાવે છે. એ બંને તરફથી તારા માથે એક એક હળવી ટપલી. હું તો તારા માથા પર પ્રેમથી હાથ ફેરવીશ.લી. તને હરહંમેશ યાદ કરતી,તારું વેકેશન પડવાની રાહ જોતી,તારી દીદી માનસી.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)