યાદોનો ખજાનો- ૪ (પત્રમ્ સ્પર્ધા-'એ રાત' ડિસેમ્બર૨૦૨૧)
માનસીના પતિની બદલી વડોદરા થઈ. અને જામનગર પણ જતી રહી. આપણે પહેલાં પત્રમાં જ વાંચ્યું હતું કે લગ્નના પોણા- બે વરસમાં જામનગર આવી ગઈ હતી. શું છે માનસીનું ભવિષ્ય? આજે માનસીને વડોદરા બહુ યાદ આવે છે. એ પોતે જ વડોદરાને પત્ર લખે છે અને વારંવાર એ પત્ર વાંચે છે. ફળિયામાં હિંચકા પર બેઠી બેઠી ચંદ્રને જુએ છે. મનમાં જ વિચારે છે કે મારી સાથે જ.....આમ કેમ? શું થયું એ રાતે. માનસીનો પત્ર.કાયમી સરનામું : વડોદરા,રસ્તો: પોસ્ટઓફિસ તારીખ: તું વાંચે ત્યારની જ વિષય : સ્મૃતિપટ પર ક્યારેય ઝાંખી ન થયેલી એ રાત.મારું મનગમતું વડોદરા, કેમ છો? રિસાઈ ગયું ને? મને ખબર છે, હું તને હમણાં મળવા આવી શકી નથી એટલે તું મોં ફેલાવીને બેઠું છે. હું તને ખુબ ખુબ યાદ કરું છું. હા, હું તને છોડ્યા પછી બે વાર મળવા આવી ગઈ છું હો. તારું વાતાવરણ ચોમાસામાં વેરાવળ જેવું. તમને બંનેને વરસાદ ખુબ ગમે. ત્રણ દિવસ તો વરસાદને રોકે જ. જવાનું નામ વરસાદ પણ ન લે. તમારી પાકી મિત્રતાને મારા વંદન. અહીં હું અલકાપુરી, ગોરવા, મંગલ બજાર, રાવપુરા, નિઝામપુરા, છાણી, ગોત્રી રોડ, વગેરે જગ્યાએ ગઈ હતી. અહીં સુર સાગર તળાવ જોઈને લાખોટા તળાવ યાદ આવી ગયું. અહી 'પ્રતાપ' સિનેમાઘરમાં જુદાઈ, ગુપ્ત, મેરે સપનો કી રાની વગેરે મુવી જોયાં. હજી સુધી અમે રીક્ષામાં જ ફરતા હતા. થોડા સમય પછી અમારી પહેલી નવી ખરીદી 'બજાજ સ્કુટર' હતી. એ ખુબ જ ખુશ હતા. મેં મારા સ્ત્રીધનમાંથી પ્રથમ હપ્તાની રકમ આપી, અને બાકીની લોન લીધી. મને સળંગ સીટવાળું સ્કુટર ગમતું હતું, પણ ચલાવવું એમને છે ને! એમ વિચારી એમનું મનપસંદ વાહન લીધું. હું પહેલેથી થોડી ડાહી ખરી ને એટલે. એમને આશ્ચર્ય પણ થયું કે આટલા પૈસા આપ્યા ને પસંદ પણ જતી કરી. પ્રેમ વધવાનું પહેલું પગથિયું - જતુ કરો. બીજુ પગથિયું - પતિને પૈસા આપીને ભૂલી જાવ. ત્રીજુ પગથિયું - એમની પસંદગીને માન આપો. હું વેરાવળથી અહીં આવી ત્યારે ખુબ ખુબ ખુશ હતી. અમારા જીવનબાગમાં એક ફૂલ ખીલવાનું હતું. વેરાવળેઆપેલી ખુશી હું ખુબ જતનથી સાચવતી હતી. એ રાતે......અચાનક જ આવી એ રાત....ગોઝારી, દુઃખદાયક અને પીડાદાયક...પીડા તનની તો મટી પણ મનની.......!!!! આજેપણ હ્રદયમાં ખૂંચે છે. મારી સાથે આવું કેમ થયું? કેટકેટલાંસપના ગૂંથ્યા હતા, કયાં આંટી પડી ગઈ? મારા ઋણાનુબંધ આટલા જ હતા એ મારા આવનાર બાળક સાથે..... હું અને મારું બાળક ખુબ ખુશ હતા, વાતો કરતા. પણ એ રાતે દસ વાગ્યે દુઃખદાયક પીડા ચાલુ થઈ ગઈ. હજી છઠ્ઠો મહિનો હતો. હું એકદમ ડરી ગઈ. મારા પતિ એ દિવસે સેકન્ડ શિફ્ટમાં ગયા હતા. પોણા બાર સુધીમાં આવી જવાના હતા, ન આવ્યા. મારા તો મોતિયા જ મરી ગયા. રડતી રડતીપાડોશમાં એક છોકરીને ફોન કરવાનું કહ્યું. ત્યારે લેન્ડલાઈન બધાની ઘરે નો'તા. એ છોકરી સામેના એક ઘરમાં ફોન કરવા ગઈ. નસીબ જોગે એ એક જ (વીસ ઘરમાંથી) ઘરે ફોન હતો. હું તો એને ઓળખતા ન હતી. બહેન પિયર ગયા'તા એટલે એભાઈ ઘર બહાર રોડ વચ્ચે ઊભા રહ્યા. ત્યાં પેલી છોકરીએમનાં ઘરેથી ફોન કરીને બહાર આવી. મને કહ્યુ કે હમણાંઆવશે. કંઈ કામ છે બીજુ ? મેં ના પાડી.એ કુંવારી છોકરીને શું કહુ? હું પણ ક્યાં મોટી હતી? પહેલું બાળક અને ખુશીનુંજ વિચારતી હતી. અચાનક આવી કલ્પના તો દુ:શમન પણ ન કરે તો હું ક્યાંથી કરું. એ છોકરી એના ઘરમાં જતી રહી. હું રડતી વિલખતી પેટ પર હાથ રાખી વાટ જોતી રહી. મારા પતિસાડા બારે આવ્યા. મેં પુછ્યું કે નાઈટમાં રોકાઈ ગ્યા'તા એમણે હા પાડી કે નાઈટ ડયુટીમાં ભાઈ ન આવ્યા એટલે. અચાનક રોકાવાનું થાય તો સમજી જવાનું. ફોન ક્યાં કરે? અમે એ રાતે ત્યારે જ હોસ્પીટલ જવા નીકળી ગયા. ખુબ નજીકમાં જ હોસ્પિટલ હતી. 'ભાઈલાલ અમીન હોસ્પિટલ' એ જ દિવસે ચાર વાગ્યે તો રેગ્યુલર ચેક અપ કરાવ્યું હતું. ડોક્ટર પણ આશ્ચર્યચકિત હતા કે...આજે તો તું આવી હતી. એ રાતે પોણા વાગ્યે હું દાખલ થઈ. બે વાર ડોક્ટર આવીને ગયા. કંઈ જ સમજમાં નો'તું આવતું. એક નર્સ ઘોડિયું લાવી. બીજા એક ઉંમરમાં મોટા નર્સ હતા. તેઓએ ના પાડી કે આની જરુર નથી, પાછુ લઈ જા. હું સમજી ગઈ કે હવે હાથમાં બાળક નહીં આવે. હું ધ્રુસકે ચડી ગઈ. કેમેય કરીને આંસુ સુકાતા ન હતા. મારા પતિ અંદર આવી શકે તેમ ન હતા. એ બહાર આખી રાતમાનસિક પીડા ભોગવતા રહ્યા, અને હું અંદર શારિરીક અનેમાનસિક બેય........હનુમાન ચાલીસા, મંત્ર, સ્તુતિ, જેટલું આવડતું હતું એ બધું બોલતી હતી, રોતી હતી, જાગતી હતી. એ દુઃખી રાતની સવાર પડી. રાત કેવી અઘરી પણ હોય શકે એ રાતે મેં જાણ્યું. નર્સની શિફ્ટ બદલી ગઈ. ત્યારે જ બરાબર નર્સ રજીસ્ટરમાં પોતાની એન્ટ્રી કરવા ગઈ. રાતના જે નર્સ હતા એ એમને કહેતા ગયા કે આખી રાત આ બહેન હેરાન થયા છે, ધ્યાન રાખજે. હવે અત્યારે મારી પાસે કોઈ ન હતું. હું રાડો પાડતી રહી ડોક્ટર....ડોક્ટર. એ નર્સ આવી ને કહેવા લાગી કે હું અહીં નજીકમાં જ હતી. એન્ટ્રી કરતાં કેટલી વાર .....ખાલી દસ મિનિટમાં તો આવી ગઈ. એ દસ મિનિટ એવી ને એવી મારા હ્રદયમાં કોતરાયેલી છે. સુખ કરતા દુઃખ પોતાની છાપ છોડવામાં ખુબ ખુબ ઉસ્તાદ હોય છે. ભલે બધા બ્રહ્મજ્ઞાન આપે કે કડવી દવા ઓગાળી જવાય ,ચવાય નહીં. પણ સમય જ એવો આવે કે તરત હું એ રાતમાં ઓગળી જ જાઉં. એ નર્સ દસ મિનિટમાં આવીને જોઈને કહે બેન, બાળકનો જન્મ તો થઈ ગયો છે, તમારો છુટકારો હમણાં થઈ જશે. હું તો રડવા લાગી કે મારે આ બાળકથી છુટવું નથી. હું બધું સહન કરવા તૈયાર હતી પણ આ બાળક જ ન હોય તો....કેવું? સવારે સાત વાગ્યાની આસ-પાસ એ ગોઝારી દસ મિનિટમાં મેં એકલીએ એક મૃત બાળકને જન્મ આપ્યો. એ રાત ક્યારેય ન ભૂલી શકું. ભલે આજે બે બાળકો છે, મોટા છે, પણ પહેલા બાળકની મમતા કંઈક અલગ જ હોય છે. મને આ દુઃખમાંથી ઊભરતાં વાર લાગી. હજી પણ પુરેપુરી ક્યાં બહાર આવી શકી છું! એ રાત મારા જીવનની યાદગાર રાત બની ગઈ. દુઃખદાયક યાદગાર રાત........નહીં કદી વિસરાય. વડોદરાથી નજીકમાં વાસદ, પાવાગઢ આજવા નિમેટાના ડાન્સીંગ ફુવારા, જોયા હતા. તું ખોટુ ન લગાડ, તારાકમાટી બાગમાં હું ફરી હતી હો. ગણપતિ ઉત્સવમાં ખુબ ખુબ સરસ દર્શન કર્યા હતા. એક દર્શન હજી યાદ છે, એક વખત દોરી ખેંચુ તો મોટા કદનો અરીસો કે જેમાં આપણું પ્રતિબિંબ દેખાય અને બીજી વાર દોરી ખેંચુ તો મોટા કદના ગણપતિજી.રાસ- ગરબા ગુજરાત સમાચાર ના મેદાનમાં રમ્યા હતા. મજાજ મજા. રંગીલું તારું સ્વરૂપ મને ગમી ગયું. તારા પ્રેમમાં પડીગઈ. મને તારું બદામ શેઈક ખુબ ભાવતું. હજી પણ મને યાદ છે, આઠ રૂપિયામાં એક ગ્લાસ આવતો. એક દિવસ અચાનક જ ધડાકો કર્યો મારા પતિએ. મને કહે કે જામનગર જઈશું? વિચારું તો હું પહેલેથી જ નહીં ને અત્યારે પણ નહીં. એટલે ઉત્સાહથી હા પાડી દીધી કે હા હું જામનગર જઈશ. પછી એ તો બોલ્યા કે કાયમ માટે વડોદરા છોડવું છે? શું કહુ ? એક બાજુ જન્મભૂમિ બોલાવતી હતી ને બીજી બાજુ મારો નવો ખીલેલો પ્રેમ વડોદરા. હું થોડી ઉદાસ થઈ. અમે ત્રણ કુટુંબ વડોદરાથી જામનગર આવ્યા. હું તારી સાથે આઠ-નવ મહીના જ રહી શકી.તને છોડવાનું દુઃખ ખુબ જ હતું. પણ બીજી બાજુ જન્મભૂમિસાથે જોડાવાની ખુશી પણ હતી. મેં ખુબ ભારે હ્રદયે તારી પાસેથી વિદાય લીધી. વેરાવળે એક ખુશી આપી અને તે એ ખુશી મારી પાસેથી છીનવી લીધી. છતાં હું તારાથી નારાજ નથી. હું તને એટલો જ પ્રેમ કરું છું. હજી પણ આગળ તને મળવા આવતી રહીશ. હે ગણપતિ બાપા ! મારા વડોદરાનું ધ્યાન રાખજો.લી. તને મળવા સદા આતુર, તારી માનસી.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)