યાદોનો ખજાનો -૩

02 ડીસેમ્બર 2021By Vandana Patel
યાદોનો ખજાનો -૩ માનસી સાસરે આવી. ગામડેથી પતિ જોડે વેરાવળઆવી. ખુબ ખુશીથી નવી જીંદગીની શરુઆત કરી. અત્યારેવેરાવળને યાદ કરતી પત્ર લખી રહી છે.તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧.મારુ વ્હાલું વેરાવળ,                         કેમ છો? મજામાં ને? હું તને મળવા દર બે વર્ષે તો આવી જ જઉં છું હો! આમ તો તું નસીબદાર કે મને તારાથી જલ્દીથી લગાવ થઈ ગયો. અને હું પણ નસીબદાર કે તે મને ખાટી મીઠી યાદો આપી, એ પણ જીવનભરની. તને થશે કે હમણાં તો આવી નથી ને વાતો કરે છે મોટી-મોટી.હા, આ કોરોનાને લીધે હું ત્રણ વરસથી આવી શકી નથી.પણ જલ્દીથી આવવાનો પ્રયત્ન કરીશ. એમ નાની વાતમાં ખોટું લગાડે એ ન ચાલે હો.                    તારામાં જ રહીને મેં સંસારની શરુઆત કરી.અહીં મેં તારા દરિયાકિનારે બેસી તને માણ્યું. હું મારા પતિ જોડે સોમનાથ ગઈ, ત્યાં પણ દરિયો. હું ત્યાં પાણીમાં જાઉ,છબછબ, જાણે નાનું બાળક બની જાઉં. ખુબ મજા કરી.     .           અહીં ટાવર ચોક, સટ્ટાબજાર, બિરલા મંદિર બગીચો વગેરે જોવા જેવા સ્થળ છે. થોડા સમય પછી અહીં  પાછળથી ચોપાટી બની. કલાકો સુધી બેઠા રહો તોય કંટાળો ન આવે. અહીં મેં 'કાકા'ની સેન્ડવીચ, ત્રોફા, ઢોસા, પાઉંભાજી વગેરેનો સ્વાદ માણ્યો હતો. થાબડીની તો વાત જ ન્યારી. 'સાગર' હોટલમાં પંજાબી નો સ્વાદ પણ માણ્યો હતો.                    હું જામનગર હતી ત્યારે દ્વારકા નજીકમાં હતું. હું ત્યાં દ્વારકાધીશને શરણે હતી. અહીં ભગવાન શિવના શરણે. ગુજરાતના બે અતિ મહત્વપૂર્ણ શહેરમાં મારો વસવાટ રહ્યો. હું સોમનાથ, ભાલકા તીર્થ, ત્રિવેણીસંગમ વગેરે જગ્યાએ મન મૂકીને કેટલીયે વાર ફરી છું. મારી બધી યાદોને સરસ મુલાયમ ઝબલું પહેરાવું છું. ઝબલું જરાય ઝાંખુ ન પડે એનું ખાસ ધ્યાન રાખું છું.              બધા સંબંધોને તાજા ગુલાબ જેવા રાખ્યા છે. મને જે કોઈ મળે એને લાગે કે હું એની જ દોસ્ત છું. અને હું ધ્યાન રાખું, કોઈને ઓછુ ન આવે કે એનું મહત્વ મારા જીવનમા ઓછું છે.               જવાબદારીના કારણે હું તારી સાથે વધારે ન રહી શકી. ન તારા ગરબા જોયા કે ન દિવાળી.. પહેલી દિવાળી ગામડે કરી હતી. તારી સાથે આરામથી રહેવું જ છે ને! એવું વિચારી રહી હતી, ત્યાં અચાનક જ અમારે તને છોડવાનો સમય આવી ગયો.             મારા પતિની નોકરી વડોદરા નક્કી થવાથી અમારે તને છોડવું પડ્યું. મારે-તારો સાથ આઠ જ મહીનાનો. મારા પતિ છ વરસથી અહીં હતા, એટલે જ મેં તને 'અમારે' શબ્દ કહ્યો.                    અમે અમારા લગ્નજીવનની સોનેરી યાદ અને ભવિષ્યના સુખદ સપનાઓને મનમાં વણીને તારાથી  જુદા પડ્યા. હું તારી સાથે આઠ મહીનામાંથી પાંચ મહીના જ રહી હોઈશ. હું બસ સ્ટેશનમાં ઊભી ઊભી વિચારતી રહી કે મારો તારી સાથેનો આ અજીબ અહેસાસ કે એ સમયગાળો ખુબ ટુંકો હોવા છતાં તને ક્યારેય ભૂલી નહીં શકું. મારી આંખોમા પાણી આવી ગયા કે છોડવું કેટલું અઘરું છે!                 નવા શહેરમાં માણસો કેવા હશે? રહેવાનું કેવું હશે? મારા મનમાં નવો પ્રશ્ન ઉમેરાયો  કે ત્યાં રહેવાનો સમયગાળો મહીનામાં હશે કે વર્ષોમાં? વિચારોમાં હું ઘણીઆગળ નીકળી જતી ને મન સાથે વાતચીત તો પાર વગરની.            હું સોમનાથદાદાને સતત પ્રાર્થના કરતી રહું છું કે સદા તારું  ધ્યાન રાખે. શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકાથી ભાલકાતીર્થ- વેરાવળ આવ્યા હતા. એટલે શ્રીકૃષ્ણ ભગવાન પણ ત્યાં જ બિરાજે છે. ત્યાં શિવલીંગ આકારમાં  સ્થિત મૂર્તિમાં આત્માનું ગૂઢ જ્ઞાન પીરસતો અવાજ છે. આમ, તારી પાસે ત્રણ ત્રણ રક્ષણ છે.       લી. તને ક્યારેય ન ભૂલનારી,      તારી માનસી.        

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!