યાદોનો ખજાનો-૧ (પત્રમ્ સ્પર્ધા ૨૦૨૧)
ગુજરાત રાજ્યને ઘણાં જિલ્લાઓ અને ગામડાઓ............. આજે માનસીને ગામડે હિંચકે બેઠાં બેઠાં જાણે બધું ફિલ્મની જેમ યાદ આવવા લાગે છે. મનોમન ગુજરાત રાજ્યને કહે છે કે તારું શહેર છોડીને પણ હું એની યાદથી જોડાયેલી છું. મારી ઊર્મિઓ તારા સિવાય કોઈ નહીં સમજી શકે. ખામોશી વાતાવરણમાં, ચુપકીદી હોઠે, યાદોની વણજાર મનમાં.......... ને પત્ર પ્રતિલિપિમાં.તારીખ -૨૯-૧૧-૨૦૨૧. વિષય: તારા સંસ્મરણો યાદ કરવા માટે. મારું વ્હાલું જામનગર, કેમ છો? જાગે છે? તું તો જાગતું જ હોય ને! તારા રસ્તાઓ પર વાહનોની અવરજવર જ એટલી કે તને જોકું આવે તો બ્રેક મારીને ઉઠાડી દે. તું દિવસે સૂર્યનારાયણના તેજથી ચમકી ઉઠે. રાત્રે લાઈટોના પ્રકાશથી ઝળહળી ઉઠે. સાંજની લાલિમા આકાશે કેવી ગોરંભાઈ ઉઠે! મને આજે તારી એટલી યાદ આવે છે કે હું તને પત્ર લખી રહી છું. તને થશે કે આ કોણ હશે, મને કેમ પત્ર લખતી હશે, તું વાંચીશ એટલે તને સમજાય જશે કે સતત તને મનમાં લઈને ફરનારી આ માનસી જ હોય. તળાવની પાળે ફરાળી કચોરી ખાવાની એટલી મજા પડે કે વાત ન પુછ. સોમવાર મમ્મી કરે અને ઠેકડાં હું મારું. શનિવાર પપ્પા કરે એટલે લીલી માંડવીના ઓરા.. આહાહા.....સ્વાદ તો તારામાં જ હો............... ગીગાભાઈની ભેળ અને ઘુઘરા દરબારગઢ જ ખાવાના હો. બ્રેડ કટકા તો મારા મનપસંદ. 'અંબર', ગેલેક્સી', 'દિપક' 'જયશ્રી', 'અનુપમ', 'અપ્સરા' વગેરે સિનેમાઘરમાં પિક્ચર જોવાનું. ને રામ ડેરી અને કલ્પના હોટેલનો ઢોસો, ત્યારે રામ ડેરીમાં ઢોસા મળતા. પાછળથી 'રામ ડેરી આઈસ્ક્રીમ' દુકાન અસ્તિત્વમાં આવી. 'સ્વાતિ 'માં પંજાબી ... આવું તો ઘણુંબધું....ડી. કે. વી. સર્કલ ત્યારે માણસોનો મેળો જામતો. કોન, માટલા ગુલ્ફી....... આ ખાવાના ચટાકાથી તો મારું બાળપણ મીઠીમીઠી યાદોથી ભરેલું છે. જો, પાછું મીઠાનું નામ લીધુ ને ગંડેરીયાદ આવી ગઈ. જીંજરા કેમ ભૂલાઈ હેં. ને પપ્પા લારીથી ઓલા....મકાઈના ડોડા શેકેલા લઈને લીંબુનાં ફાડામાં મસ્ત ચટણી મીઠું લઈને લગાવી દે. ખાવાની મજા જ મજા. ત્યારે અમેરિકન મકાઇનું નામ મારી ડાયરીમાં તો નો'તું હો. મારી જન્મભૂમિ, તારાથી જોડાયેલ હું બાર વર્ષ તારા ખોળે રમી. અહીંની પ્રાથમિક શાળા કે જ્યાં હું પાયાનું જ્ઞાાન મેળવી મજબૂત ઊભી શકી. એ શાળાની સહેલીનો સાથ આજ સુધી મારી જીંદગીમાં વણાયેલો છે. ત્યારે અમે બધી બહેનપણીઓ ભેળ બનાવતી. પરીક્ષા પૂરી થાય એટલે પાર્ટી. એક સખી મમરા, બીજી સખી સેવ, ત્રીજી ગોળ- આમલીનું પાણી, ચોથી બાફેલા બટેટા, પાંચમી તળેલી રોટલી, છઠ્ઠી તળેલા બી, વગેરે...લાવે. અમે પંદરનું ટોળું ...મસ્ત ભેળ બને. બધાની મમ્મીના સુચનો ભેળ જોડે ભેળવાય. ને એટલો આનંદ રેલાઈ કે આચાર્યની ઓફિસ સુધી.... ભેળની સુગંધ સાથે હાસ્ય.... એમને પણ ભેળ ચખાડીએ. તે દિવસે કોઈ ખીજાય નહીં હો. બધા ખુશ - ખુશ. આજે એ ખુશી આપણાં બાળકો પાસેથી પીઝા, બર્ગર અને મોબાઇલે છીનવી લીધી છે. વાહ! મારા મધમીઠાં શૈશવના સંસ્મરણો ! તહેવાર પણ કેવા અનેરી શાન અને અનેરી જાન તલઈને આવતા. ગરબીના તાલ અને દિવાળીના ઘુઘરા,ઉતરાણની પતંગો અને ચીકી, ધુળેટીનો રંગો ને રક્ષાબંધન...બજારોમાં રોનક લાગતી, ખરીદીનો ઉત્સાહ જગાવતી.મહેમાનોની ઘર ભરાઈ જતું. જાય ત્યારે ખિસ્સું છલકાય જતું. આ મારું હાલાર એટલે મનથી સાચા, મનથી જીવી જાણતા માણસો. એમના આવકારમાં પ્રેમ દેખાય, મહેમાન જાય તો આંખમાં અશ્રુ હોય, પાછા ક્યારે આવશો એ સવાલ હોઠે હોય. તારામૈત્રક રચાતું હોય! જામનગરમાં લાખોટા તળાવ, સોલેરિયમ, ભીડભંજન મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, સ્મશાન, અખંડ રામધૂન વગેરે જોવાલાયક સ્થળો છે. છોટા કાશી તરીકે ઓળખાતું જામનગર એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું. રણમલ રાજાએ 'રણમલ તળાવ' લાખોના ખર્ચે બંધાવેલ એટલે 'લાખોટા તળાવ'ના નામથી પણ ઓળખાય છે. આ રણમલ તળાવ એટલે વિદેશી પંખીઓનું આશ્રયસ્થાન. ત્યાં નજીકમાં મ્યુઝિયમ,માછલીઘર પણ આવેલા છે. લાખોટા તળાવે આજે પણ શિયાળામાં યાયાવર પંખીઓ મોટી સંખ્યામાં ઉતરી આવે છે. અહીંની 'ધનવન્તરી' આયુર્વેદ કોલેજનું નામ વિશ્વ લેવલે પ્રખ્યાત છે. જી.એસ.એફ.સી., ડી.સી.સી. દિગ્જામ જેવી મોટી ઘણી ફેક્ટરીઓ પણ આવેલી છે. અહીં બ્રાસના કારખાનાઓ વધારે હોવાથી લોકો તને પિતળનગરી પણ કહે છે. તારી બાંધણી પણ એટલી જ વખણાય છે. તારા કંકુ, કાજલ, સુરમો, સુડી, ચપ્પા વગેરે ખુબ ખુબ પ્રખ્યાત છે. અહીં આપણી ત્રણ પાંખ -પાયદળ, નૌકાદળ અને હવાઈદળ એક જ જગ્યાએ જોવા મળે છે. મને હજી યાદ છે પેલો વાયુદળનો જીવ સટોસટનો ખેલ. તળાવની પાળે એ શો બતાવવામાં આવ્યો હતો. ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટરના એ ખેલ અત્યારે પણ નજર સામે ઉપસી આવે છે. તળાવની પાળ એટલે લાખોટા તળાવ. બાર વર્ષની થઈને તારો સાથ છુટી ગયો. હું ખુબ દુઃખી થઈ હતી. મારી શાળા, મારા પ્રિય શિક્ષકો, મારી સખીઓ, મારુ પ્યારું વતન છોડીને હું યાદોના ખજાના સાથે બીજા શહેરમાં ગઈ. સંજોગોવશાત લગ્ન પછી મેં પોણા બે વરસે ફરીમારી જન્મભૂમિમાં પદારોહણ કર્યું. મેં ખુબ ખુબ ખુશીઓ સાથે જીંદગીના મહત્વના વરસો તારા સાંનિધ્યમાં વિતાવ્યા. મેં અહીં મારા બાળકોને સર્કસ દેખાડયું છે હો. ત્યાર પછી રીલાયન્સ મોલ બની ગયો હતો. મારા બાળકોએ ગેઈમ જોનના આવિષ્કારે અને ભીડને કારણે તારા લોકમેળાને તો માણ્યો જ નહીં! રિલાયન્સ રિફાઈનરી અને એસ્સાર રિફાઈનરીનું આગમન થયું હતું. હવે તો એસ્સાર નયારાના નવા નામથી ઓળખાય છે. તારી નજીકમાં બાલાચડી, ખીજડીયા, ભાદ્રામંદિર, પંચમુખી હનુમાન, આશાપુરા માતાનું મંદિર- જોગવડ, આરાધનાધામ, સિંહણ ડેમ, સસોઈ-ડેમ, રણજીતસાગર ડેમ વગેરે જોવાલાયક સ્થળો છે. વિતતાં વર્ષોએ તારી સાક્ષીએ ઘણું બધું આપ્યું હતું. ફરી એકવાર તને છોડવાનો સમય આવી ગયો ને અમે તને છોડી ગયા. એ વખતે બાર વર્ષની ઉંમરે તને છોડ્યું'તું એના કરતા પણ વધારે તકલીફ થઈ હતી. મારા પતિ અને બાળકો પણ ઉદાસ હતા. તેઓ તને પહેલીવાર છોડતા હતા અને હું બીજીવાર...... ગમે તેમ તોય તું મારા બાળકોનું પણ જન્મસ્થળ છે એટલે તેઓ પણ તને ખુબ ખુબ યાદ કરે છે. મારા બાળપણની જેમ એમના બાળપણ પણ તે જોયા છે, માણ્યા છે. તે મારા બાળકોના સપનાને પાંખ આપી છે. મારી કર્મભૂમિ પણ તું જ બની. મારી વ્હાલી જન્મભૂમિ, તને છોડતી વખતે આંખોમાં અશ્રુ, પાંપણે મોતી, ને હોઠ પર--કોણ જાણે, ક્યારે મળીશું ફરી, સવાલ દિલમાં જાગે છે.તને મળવાની આશ ને પ્યાસ, જીંદગીને વારંવાર લાગે છે. જીવનસંધ્યાએ કેમ મારું મન આવું આળું થઈ ગયું, એમ વિચારતી હું આકાશ સામે જોઈ રહી. અહીં પણ લાલાશ વેરતી સંધ્યા જ દેખાઈ. હું તારી યાદોને મારા હ્રદયમાં જીવંત રાખીબાકીના છોડેલા શહેરોની વાત બીજા પત્રમાં કરીશ. પણ હા, તું મારું સૌથી વ્હાલું અને ખાસ શહેર છો હો.......મારા ટહુકાની રાહ જોજે. હું તને મળવા જરુર આવીશ. તારી શેરીએ શેરી ફરી વળીશ. તારી ખોટ કોઈ શહેર પૂરી ન કરી શકે. હે ઈશ્વર! મારા શહેરને સહી સલામત રાખજે. દુશ્મનોના આક્રમણથી હંમેશા બચાવજે. લી. તને ખુબ ખુબ પ્રેમ કરતી, તારી માનસી. [ગંડેરી- શેરડીના સમાંતર અંતરથી કરેલ નળાકર ટુકડાં. જીંજરા- લીલા ચણા.]
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)