નવી શરુઆત- ફટાકડા વેચતો માણસ (પત્રમ્ સ્પર્ધા નવેમ્બર ૨૦૨૧)
ફટાકડા વેચતો ભણેલ ગણેલ માણસ ગામડે રહેતી પોતાની પત્નીને પત્ર લખે છે. પોતે એક નવી શરુઆત કરવા માગે છે .એ જણાવતો પત્ર લખે છે.કાયમી સરનામુ: રામપુર.રસ્તો: વહેતી નદી ઉપરના પુલ પરથી.તારીખ: તું વાંચે ત્યારની જ. વિષય: મારા જીવનની નવી શરૂઆત કરવા અંગે.મારી વ્હાલી પત્ની, કેમ છો? મજામાં ને ! ભોલુ અને ગુડ્ડી હેરાન તો નથી કરતા ને? હું તને યાદ કરતો જેમતેમ દિવસો પસાર કરું છું. જ્યારથી તું આવી, મારા જીવનબાગમાં, મહેંકે છે ઘર મારું, જાણે હોય ગોકુળમાં. ઘણાં સમયથી ઈચ્છા થતી હતી કે તને પત્ર લખું. આ પત્ર મળે કે તરત જ ફોન કરજે. હું તારા વિચાર જાણવા માગું છું. તને થશે કે શેના અંગે? બરાબર ને. હા, જો ઘણાં સમયથી હું એકલો અહીં છું. એકલા ચોખા બાફીને ખાવાથી કંટાળી ગયો છું. તારા હાથના કઢી-ભાત, શાક, રોટલી એવા યાદ આવે છે કે વાત જ ન પુછ. કેવા આપણે ખુલ્લા ફળિયામાં તારા ગણતા ગણતા સુઈ જતા. અહીં તો ઓરડી પણ ગંધાય છે. સવારથી સાંજ કામ પર ને આવીને ચોખા બાફવા મુકુ ને પછી કપડાં પણ ધોવાના. હું ક્યાં તને રોજની રામકહાણી લખવા બેસી ગયો. જો હવે ધ્યાનથી વાંચ. તને આંચકો તો લાગશે પણ હરખનો કે દુઃખનો એ તું મને કહેજે. હું આપણાં ગામ પાછા આવવા માગું છું. એક નવી શરુઆત કરવા માગું છું. તને થશે કે આવક સારી છે તો પછી........ હા ,આવક સારી છે પણ એકલો રહીને કંટાળ્યો છું. બાળકોના બાળપણ જોઈ ન શકું કે એની સાથે રમી ન શકું તો જીવન શું કામનું? જો ને ! બાપુ ગુજરી ગયા ત્યારે પણ દિવાળી હતી, ફટાકડાના કારણે બારમે દિવસે જ નીકળી જવું પડયું હતું. ફટાકડા વેચવાના ધંધાને લીધે આપણે દિવાળી પર તો કયારેય સાથે ન હોય! હું ત્યાં આવીને કાપડ વેચવાનું શરુ કરવા માગું છું. હું ત્યાં આપણાં ગામની સાથે આજુ બાજુના ગામમાં પણ કાપડ લઈને જઈશ. ફટાકડા તો હવાઈ જાય કે સાચવણ પણ અઘરી. જ્યારે કાપડ તો ઓર્ડર મુજબ રુબરુ જઈને લઈ આવું તો પણ ચાલે. આ નવી શરુઆતમાં તકલીફ પડશે, પણ આપણે સાથે હોઈશું. હું બાળકો સાથે જીવી શકીશ. આપણે બંને સાથે બાળકોને મોટા થતા જોઈ શકીશું. મને ડાયાબીટીસની શરુઆત થતી હોય એવું ડોક્ટર કહે છે. તું ચિંતા ન કરતી. હજી શરુઆત છે, કાબુમાં આવી જશે. ઘરનું ખાવાનું તથા આપણા ફળિયાનો સરગવો અને જાંબુ. હા ઠળિયા સૂકવીને પાવડર ને સરગવો બાફેલો, સુપ વગેરે ...ને પેલાં કારેલાં યાદ છે? તું વાવતી'તી ને મેં કીધુ હતુ કે આવા કડવા કોણ ખાય? જો મને જ કામ આવશે. તને થશે કે મને આટલી માહિતી ! હા, ડોક્ટરે સમજાવ્યું છે. દવા ચાલુ કરતા પહેલા આ બધું કરશું તો દવા ટાળી શકાય. દેવ - દિવાળી ગઈ એટલે આ બધા ફટાકડા ધીરે - ધીરે થોડાં સસ્તામાં વેચી રહ્યો છું. મોટી મોટી દુકાને આપી દઈશ ને અહીંથી જ એ પૈસામાં થોડી સાડી ને કાપડના તાકા લેતો આવીશ. અહીં એક વેપારી જાણીતા થઈ ગયા છે તો બાકીમાં પણ થોડો ઘણો માલ આપશે. તું તારો વિચાર જણાવતો ફોન કરજે. મારે નવી શરુઆતની વાત ફોન પર નો'તી કરવી એટલે આખી જીંદગીના સંભારણા રુપે પત્ર લખુ છું. હું ત્યા આવવા ઉત્સુક છું. મારા વતી બાળકોને રમાડજે. મારી આ નવી શરુઆત માટે લાપશીના આંધણ મુકજે હો. હા, મને ખબર છે હો. હું નહી ખાઉ પણ તમે બધા તો ખાઈ શકો ને! તારા હાથથી શુકનની લાપશીનો એક કોળિયો તો ખાઈશ જ હો. ઠાવકી થાતી, દાંત કાઢમા હવે. સારુ ત્યારે લ્યો રામ-રામ. લી. શહેરમાં ફટાકડાં વેચતો, પોતાને ગામ જવા ઉત્સુક, તારો પતિ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)