નવી શરુઆત- પડોશીનો પુત્ર (પત્રમ્ સ્પર્ધા- નવેમ્બર ૨૦૨૧, - ટોપ-50 માં વિજેતા)

20 નવેમ્બર 2021By Vandana Patel
નવી શરુઆત- પડોશીનો પુત્ર (પત્રમ્ સ્પર્ધા- નવેમ્બર ૨૦૨૧, - ટોપ-50 માં વિજેતા) પ્રતિલિપિના ઈતિહાસમાં આવું બન્યું છે? પત્રના જવાબ રુપે પત્ર કદી લખાયો છે? હું આજે એક કેન્સરપીડિત કાકાનો પડોશીના પુત્ર ને પત્ર' વાંચીને પડોશીના પુત્રનો જવાબ પત્ર રુપે પ્રકાશિત કરું છું. સાગરભાઈ વૈશ્ણવનો પત્ર જરુરથી વાંચવો. જેથી આ પત્ર સ્પષ્ટ થાય.        ' પડોશીના પુત્રનો કેન્સરપીડિત કાકાને પત્ર 'કાયમી સરનામું : તમારા ઘરના ફળિયામાં રહેલ હિંચકો,રસ્તો : મુખ્ય ઝાંપો ખુલતા જ.તારીખ: તમે વાંચો ત્યારની જ.વિષય : તમારા માર્ગદર્શનથી જીવનની નવી શરુઆત કરવા             અંગે.આદરણીય કાકા,                      મેં તમારો પત્ર વાંચ્યો. હું તમારા પત્રથી ખુબ પ્રભાવિત થયો છું. ખુબ વિચારને અંતે હું મન મજબૂત બનાવી પત્ર લખવા બેઠો છું. તમારી તબિયત હવે સુધરતી જાય છે, એ જોઈ હું ખુબ ખુશ છું. હું હમણાં બે દિવસ હતો નહી એટલે તમને થશે કે હું પત્ર વાંચીને ક્યાંક ચાલ્યો ગયો. યોગાનુયોગ રાત્રે તમારો પત્ર વાંચ્યો ને સવારે મારે બહારગામ જવાનું થયું. હું તમારાથી રિસાયો નથી કે ગુસ્સે પણ નથી. હું એટલી હદે વંઠેલ નથી કે ગુસ્સે થઈ જાઉં. આપણે સભ્ય સમાજના સારા વિસ્તારમાં સભ્ય નાગરિકોનું જીવન જીવીએ છીએ.                તમે મારી ચિંતા કરી એ મને ખુબ જ ગમ્યું. હું કંઈ બગડેલ કે નઠારો છોકરો નથી કે તમારી શિખામણ સમજી ન શકું. તમે દોસ્ત બનીને શિખામણને એવી વર્ણવી કે મેં મારા જીવનની નવી શરુઆત કરવાનો નિર્ણય કર્યો છે. આજે મારો વ્યસનમુક્તિનો બીજો દિવસ છે. ખુબ મુશ્કેલી આવશે એ મને ખબર છે. હું હિંમત હારીશ નહીં. હું તમારી સાથે વધારે સમય ગાળીશ જેથી મને મારા લીધેલ નિર્ણયમાં વધારે મજબૂતાઈ મળી રહે.           મારી વર્તણૂંકથી તમને ખબર પડી ગઈ કે હું સિગારેટના રવાડે ચઢી ગયો છું. જેમ નાના બાળકને નવું રમકડું વધારે ગમે એ રીતે હું સિગારેટના પ્રેમમાં ક્યારે પડી ગયો એ ખબર જ ન રહી. આ ટેવ એવી વિસ્તરી કે મને મજા આવવા લાગી ને કુટેવમાં ફેરવાઈ ગઈ. કાકા, સાચુ કહુ! શરુમાં તો હું દોસ્તોને ના જ પાડતો રહેતો. મારા દોસ્તો મને ચીઢવે તોય હું મક્કમ હતો. એક દિવસ પેલો રોહિત મને કહે કે ભલે પછી ના પીતો, એક કશ લે, કંઈ ન થાય, એમ થોડું વ્યસન થઈ જાય, તુ બીકણો ભારે! શરમમાં ને શરમમાં મેં એક વાર કશ ખેંચ્યો કે તરત જ ખાંસી ચઢી, આંખમાં પાણી આવ્યા. તો રોહિતે કહ્યુ કે શરુમાં લાગે પછી ટેવાઈ જઈશ. એમ કરતાં કરતાં રોજની એક સિગારેટમાંથી બે સિગારેટ પીવાની ટેવ પડી ગઈ. કયારેક મારું મન ખુબ ડંખ મારતું. મારા પ્રેમાળ પરિવારને છેતરવાનો ડંખ.           કોલેજમાં આવ્યો એટલે નાસ્તો ઘરેથી લઈ જવાનોબંધ. કેમ? બસ બધા દોસ્ત ચીઢવે કે બાલ-મંદિરમાં છો..... દોસ્તને તો ઘરે કોઈ નાસ્તો બનાવી દે એવું હોય નહી ને એ ચક્કરમાં આપણી સારી આદત પણ બગડે. મારો પોષણક્ષમ નાસ્તો બંધ થયાની સાથે વ્યસન શરુ. મારા માતાપિતાએ કેટલા સ્વપ્ન જોયા હશે ! હું શું કરવા તૈયાર થયો? કારણ વગર એમની સાથે જંગે ચડવા તૈયાર થયો! સારું છે કે એમને કંઈ ખબર નથી. તમારો પત્ર મને સમયસર મળ્યો. હું ચેતી ગયો. હું મારા દોસ્ત જ બદલાવી નાખીશ. હું મક્કમ મનથી કહી દઈશ કે વ્યસન વગર દોસ્ત બનવું હોય તો બોલો. નહીં તો આ અંતિમ મુલાકાત.              મને ખિસ્સાખર્ચી પૂરતી મળે છે. મને વ્યસન નો'તુ ત્યારે બહેનની રક્ષાબંધનની ભેટ આવી જતી. આ વરસે બ્રાન્ડેડ સિગારેટના ખર્ચથી વ્યથિત છું. હું હવે સિગારેટને હાથ નહી લગાવું. હું તમારી જેમ નિયમિત કસરત કરીશ. આપણે સાથે સાઈકલ ચલાવીશુ. હું વ્યસનમુક્તિ માટે કટિબદ્ધ છું. આ વાંચીને તમારા ચહેરા પર હાસ્ય જ રેલાશે ખરું ને?                મારા દાદીમા ઘણીવાર કહે છે કે તું તારા પિતાજીનીજેમ મિલ્કત વસાવી નહી શકે કારણકે વ્યાજનો દર ઘટી રહ્યો છે એટલે પૈસા બેગણાં થવાનો સમયગાળો લાંબો થઈ રહયો છે. મોંઘવારી હજી વધશે એટલે ખાવાના ખર્ચને માંડ પહોંચી વળાશે. બચતનું તો ભૂલી જ જાવ. તમે બચત વિશે સમજણ આપી એટલે હું હવે આજથી જ બચતનો ગુણધર્મ અમલમાં લાવીશ.                   હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે તમારા આયુષ્યમાં વધારો કરી જ દે. મને પાટે ચડાવવાનું આટલું પુણ્ય તો મળવું જ જોઈએ ને! તમે કંઈ ચિંતા ન કરતાં. હવે મારા કાકીની જેમ મારો પણ પૂર્ણ સાથ સહકાર તમને મળશે. તમારુ સાંનિધ્ય મને લાંબા સમય માટે મળી રહે એવી હું ઈશ્વરને ખરા અંતઃકરણથી પ્રાર્થના કરુ છું. સુધરવાનો દ્રઢ સંકલ્પ લઈને નવી શરુઆત કરવા જઈ રહેલ આ નાદાન છોકરાને આશીર્વાદ આપજો. તમારા જેટલું વિસ્તારથી નહીં લખી શકું, પણ મારી લાગણીઓ તમારા પ્રતિ અત્યંત વિસ્તરેલી છે.લી. તમારો ટહુકો 'કેમ છે દોસ્ત',      એ સાંભળવા સદા ઉત્સુક,       તમારી બાજુમાં રહેતો ભત્રીજો. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!